fbpx

અમેરિકા-પાકિસ્તાને સાથ ન આપતા સાઉદી અરબે મક્કા કાર્ડનો ઉપયોગ કર્યો

Spread the love

અમેરિકા-પાકિસ્તાને સાથ ન આપતા સાઉદી અરબે મક્કા કાર્ડનો ઉપયોગ કર્યો

મંગળવારે બપોરે ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કા સહિત ત્રણ શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનો વાગી ઊઠ્યા હતા. સાઉદી અરબના ડિરેક્ટરેટ ઓફ સિવિલ ડિફેન્સ દ્વારા હવાઈ ખતરા અંગે ચેતવણી જાહેર કરીને નાગરિકોને તાત્કાલિક ઘરોની અંદર જવાની સૂચના આપવામાં આવી હતી. મક્કા જેવા અત્યંત પવિત્ર અને સંવેદનશીલ સ્થળે આવી ચેતવણી આપવી તે એક અસાધારણ અને આશ્ચર્યજનક ઘટના ગણવામાં આવે છે.

ત્યારબાદ બુધવારે સાઉદી તંત્ર દ્વારા સત્તાવાર દાવો કરવામાં આવ્યો હતો કે યમન સ્થિત ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ દ્વારા મક્કા તરફ છોડવામાં આવેલા એક ડ્રોનને પવિત્ર શહેરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલાં જ દક્ષિણ ભાગમાં આંતરીને તોડી પાડવામાં આવ્યું છે. સાઉદી સત્તાવાળાઓએ મક્કા અને મદીનાની બે પવિત્ર મસ્જિદો તેમજ યાત્રાળુઓની સુરક્ષાને પોતાની ‘રેડ લાઈન’ ગણાવી હતી.

12

બીજી તરફ, હૂથી સંગઠને મક્કાને નિશાન બનાવવાનો આક્ષેપ સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ દ્વારા પણ મક્કા કે મદીના તરફ મોકલવામાં આવેલા કોઈ ડ્રોન કે મિસાઈલને તોડી પાડવાની ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જોકે, ઘટનાના સત્ય અંગે ભલે દાવો-પ્રતિદાવા ચાલી રહ્યા હોય, પરંતુ આ ઘટનાક્રમ પાછળનું રાજકીય મહત્વ નકારી શકાય તેમ નથી.

છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ગયા અઠવાડિયે હૂથી દળોએ વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા બાબ અલ-મંદેબ જલડમરૂમધ્ય  પર નિયંત્રણ મેળવવા યમનના પશ્ચિમ કિનારા અને તેની મધ્યમાં આવેલા માયૂન ટાપુ પર કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ સોમવારે (14 સપ્ટેમ્બર) હૂથી વિદ્રોહીઓએ દક્ષિણ લાલ સમુદ્રમાં આવેલા ગ્રેટર અને લેસર હનીશ ટાપુઓ પર પણ કબ્જો કરવાની જાહેરાત કરી હતી. ઈરાન યુદ્ધની વ્યાપક અસર હેઠળ વૈશ્વિક સમુદ્રી જળમાર્ગો પરના વેપારને ઠપ્પ કરવાની હૂથીઓની ક્ષમતા આ પગલાંથી વધુ મજબૂત બની છે.

હૂથીઓ સામેના યુદ્ધમાં બેકફૂટ પર ધકેલાયેલું સાઉદી અરબ હવે મક્કાના નામે પોતાની ધાર્મિક અને કૂટનીતિક વૈધતાનો ઉપયોગ કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સવાલ માત્ર એ નથી કે ડ્રોન ખરેખર મક્કા તરફ તાકવામાં આવ્યું હતું કે નહીં, પરંતુ મુખ્ય સવાલ એ છે કે જ્યારે રિયાધ લશ્કરી દબાણ, પોતાના પ્રદેશ પર થતા હુમલાઓ અને વિદેશી સહયોગ અંગે અસુરક્ષા અનુભવી રહ્યું છે, ત્યારે શું મક્કાના અસાધારણ ધાર્મિક સન્માનને એક વ્યૂહાત્મક હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યું છે?

આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે મક્કા અને મદીના પર સાઉદી રાજવંશ (હાઉસ ઓફ સાઉદ)નું અંકુશ કોઈ પ્રાચીન વંશાનુગત અધિકાર નથી. 1920ના દાયકામાં હેજાઝ પ્રદેશ જીતી લીધા બાદ જ આ બે પવિત્ર ધામોની સંભાળ સાઉદી રાજવંશના હાથમાં આવી હતી. ત્યારબાદ આ પ્રાદેશિક જીતને એક પ્રભાવશાળી ધાર્મિક સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવી, જેના કારણે સાઉદી રાજાશાહીનો પ્રભાવ તેની સરહદોની બહાર સુધી વ્યાપી ગયો.

13

પોતાની સંરક્ષણ ભાગીદારીને ધાર્મિક માન્યતા આપવા માટે પણ અગાઉ મક્કાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાઉદી અરબ, પાકિસ્તાન અને તુર્કીએ નાટો જેવો એક સંરક્ષણ કરાર કર્યો હતો, જેને ‘મક્કા ડિફેન્સ એલાયન્સ’ નામ આપવામાં આવ્યું હતું. આ કરારનો મુખ્ય હેતુ તેના સભ્ય દેશો પર કોઈ દુશ્મન દેશ હુમલો કરે ત્યારે રક્ષણ કરવાનો હતો.

જોકે, હાલમાં જ્યારે સાઉદી અરબ હૂથીઓના સીધા હુમલાનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ ગઠબંધન માત્ર કૂટનીતિક સમર્થન પૂરતું સીમિત સાબિત થઈ રહ્યું હોય તેમ લાગે છે. પાકિસ્તાને મક્કા નજીક થયેલા કથિત હુમલા અને ટાપુઓ પર હૂથીઓના કબ્જાની સખત નિંદા તો કરી છે, પરંતુ વિદેશી ધરતી પર હૂથીઓ સામે લડવા માટે પોતાના સૈનિકો મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બીજી બાજુ અમેરિકાએ પણ હુતીઓ પર હાલમાં કોઈપણ એર સ્ટ્રાઇક કરવાની ના પાડી દીધી છે, જેથી સાઉદી અરબને બેવડો ઝટકો લાગ્યો છે. રિયાધ માટે ગઠબંધનના સામૂહિક સંરક્ષણના દાવાઓ અને ઈસ્લામાબાદના વાસ્તવિક વલણ વચ્ચેનો આ તફાવત એ સવાલ ઊભો કરે છે કે જ્યારે સાઉદી પોતે ખતરામાં હોય ત્યારે મક્કા ગઠબંધનનું વાસ્તવિક વજન કેટલું રહે છે.

Leave a Reply

error: Content is protected !!