
અલહાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પર એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે 3 મહિના સુધી અટકાયતમાં રાખવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસની સુનાવણી કરતા, ન્યાયાધીશ અબ્દુલ મોઈન અને પ્રમોદ કુમાર શ્રીવાસ્તવની બેન્ચે નોંધ્યું કે, ધરપકડ મેમોમાં ફક્ત કેસ નંબર હતો પરંતુ ધરપકડ માટે કોઈ ચોક્કસ કારણો આપવામાં આવ્યા ન હતા. કોર્ટે જણાવ્યું હતું કે, અરજદારની 27 જાન્યુઆરી, 2026થી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. તે 29 એપ્રિલ, 2026 સુધી જેલમાં રહ્યો છે, એટલે કે 3 મહિનાથી વધુ સમય વીતી ગયો છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બેન્ચે કેસમાં આદેશ આપતા કહ્યું હતું કે, ‘પીડિતને 3 મહિનાથી વધુ સમય માટે ગેરકાયદેસર રીતે કેદમાં રાખવાને ધ્યાનમાં રાખીને, કોર્ટ રાજ્ય પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપે છે.’

સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે, મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના અરજદારની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની કલમ 22(1)ને ધ્યાનમાં લીધા પછી આ કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ કોઈપણ વ્યક્તિને તેમની ધરપકડના કારણોની જાણ કર્યા વિના અટકાયતમાં રાખવામાં આવશે નહીં. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, મેજિસ્ટ્રેટનો રિમાન્ડ ઓર્ડર અરજદારની ગેરકાયદેસર ધરપકડ પર આધારિત હતો અને તેથી તેને રદ કરવો જોઈએ.
કોર્ટના અગાઉના નિર્દેશનું પાલન ન કરવા બદલ બેન્ચે રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે, તેમના પર દંડ કેમ ન લાદવો જોઈએ. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કોર્ટે શોધી કાઢ્યું હતું કે, અધિક મુખ્ય સચિવ (ગૃહ) કોઈ માન્ય કારણો આપવામાં નિષ્ફળ ગયા છે અને આ મામલે તેમના વિવેકાધિકારનો સંપૂર્ણ અનાદર કર્યો છે. કોર્ટના જણાવ્યા અનુસાર, ‘કોર્ટ એ કહેવા પર મજબૂર થઇ રહ્યું છે કે, અધિક મુખ્ય સચિવ (ગૃહ) આ મામલે પોતાનો જવાબ દાખલ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમના પર ભારે દંડ (ઉદાહરણીય ખર્ચ) કેમ ન લાદવો જોઈએ?’ અધિક મુખ્ય સચિવે કોર્ટનો પાછલો આદેશ વાંચવાની તસ્દી પણ ન લીધી. તે આદેશમાં તેમની પાસે એ જવાબ માંગવામાં આવ્યો હતો કે, અરજદારને લગભગ 3 મહિના સુધી ગેરકાયદેસર રીતે જેલમાં રાખવા બદલ તેમને શા માટે ભારે દંડ ન કરવો જોઈએ.’

કોર્ટે નોંધ્યું હતું કે, અધિક મુખ્ય સચિવ દ્વારા દાખલ કરાયેલા વ્યક્તિગત સોગંદનામામાં સૂચવવામાં આવ્યું હતું કે, રિપોર્ટ મળ્યા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા કરવામાં આવશે. જોકે, આ સોગંદનામામાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, તેમને ભારે દંડ કેમ ન કરવો જોઈએ. જો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના સ્તરે આવી વિવેકબુદ્ધિનો અભાવ જોવા મળે છે, તો તે રાજ્યમાં અન્ય અધિકારીઓની કામગીરી અંગે ચિંતા ઉભી કરે છે.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, અગાઉના આદેશ છતાં, અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા, જેના પરિણામે અરજદારની ગેરકાયદેસર અટકાયત ચાલુ રહી. કોર્ટે રાજ્યના અધિકારીઓને વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો, જે અરજદારને 4 હપ્તામાં આપી દેવામાં આવે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર પહેલા રકમ ચૂકવશે, અને પછી નિયમો અનુસાર જવાબદાર અધિકારીઓ પાસેથી તે વસૂલવા માટે સ્વતંત્ર રહેશે.