
પોલીસે ઉત્તર પ્રદેશના નોઈડાના ફેઝ-2 પોલીસ સ્ટેશન વિસ્તારની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા 3 દિવસના નવજાત શિશુને 8 કલાકની અંદર સુરક્ષિત રીતે શોધી કાઢ્યું હતું. પોલીસે બાળકનું અપહરણ કરવાના આરોપમાં 26 વર્ષીય ઉપાસનાની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપી મહિલા પાસેથી નંબર પ્લેટ વગરનું સ્કૂટર પણ મળી આવ્યું હતું. પોલીસે 8 કલાકના સમયગાળામાં બાળકને સફળતાપૂર્વક બચાવી લીધું અને NSEZ મેટ્રો સ્ટેશન નજીકથી આરોપીની ધરપકડ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકનો જન્મ 6 ઓક્ટોબરે ભંગેલની એક હોસ્પિટલમાં થયો હતો. 8 ઓક્ટોબરની સાંજે, એક મહિલા હોસ્પિટલમાં આવી અને સરકારી યોજના હેઠળ રૂ.2,500 અપાવવામાં મદદ કરવાનું વચન આપીને બાળકની માતા અને દાદી સાથે પરિચય કેળવ્યો. તે આગામી દિવસે સવારે પાછી આવી અને નવજાત શિશુને વહાલ કરવા લાગી. આ દરમિયાન, તેણે પરિવારના સભ્યોને વાતચીતમાં ગુચવી રાખ્યા અને બાળકને લઈને ફરાર થઈ ગઈ.

બાળક ગુમ થયાની માહિતી મળતા જ ફેઝ-2 પોલીસે મેન્યૂઅલ ઈન્ટેલિજન્સ અને CCTV ફૂટેજની મદદથી ને શોધખોળ અભિયાન હાથ ધર્યું કર્યું. તેમણે 8 કલાકની અંદર NSEZ મેટ્રો સ્ટેશન નજીકથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું અને આરોપી મહિલાની ધરપકડ કરી. બાળક સકુશળ મળી આવતે પરિવારે પોલીસનો આભાર માન્યો અને ખુશી વ્યક્ત કરી હતી.
પૂછપરછ દરમિયાન, આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેની બહેનને કોઈ સંતાન નથી. તેણે પોતાની બહેનને બાળક આપવાના ઈરાદાથી હોસ્પિટલમાંથી નવજાત શિશુનું અપહરણ કર્યું હતું. પોલીસ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને કસ્ટડીમાં રહેલી આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે શું આરોપી મહિલા બાળક ચોરતી કોઈ ગેંગનો ભાગ તો નથી ને?