
શું હવે લેબમાં સોનું બનાવવું શક્ય છે? અમેરિકાની ફ્યૂઝન સ્ટાર્ટઅપ કંપની મેરેથોન ફ્યૂઝન’એ દાવો કર્યો છે કે તેણે પારા (મર્ક્યુરી)ને બદલીને અસલી અને સ્થિર સોનું બનાવ્યું છે. કંપનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે આ પ્રયોગમાં કેટલું સોનું બન્યું અને ન તો આ દાવાને સાબિત કરવા માટે વિગતવાર આંકડા જાહેર કર્યો છે. આ દાવાને કારણે ફરી એક પ્રશ્ન ઊભો થયો છે કે, શું વૈજ્ઞાનિક તકનીકથી મોટા જથ્થામાં સોનું ઉત્પન્ન કરવું શક્ય છે? જો એમ હોય, તો શું બજારમાં સોનાનો પુરવઠો વધવાથી તેના ભાવ ઘટી શકે છે?
કંપનીનો દાવો શું છે?
મેરેથોન ફ્યૂઝને જે પ્રક્રિયાની વાત કરી છે, તેને ન્યૂક્લિયર ટ્રાન્સમ્યૂટેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં પરમાણુના કેન્દ્ર (ન્યૂક્લિયસ)માં ફેરફાર કરીને એક તત્વને બીજા તત્વમાં બદલવામાં આવે છે. કંપનીની પ્રસ્તાવિત તકનીકમાં ફ્યૂઝન રિએક્શન (fusion reaction) દ્વારા ઉત્પન્ન થતા ‘ફાસ્ટ ન્યૂટ્રોન’નો ઉપયોગ કરવામાં આવશે. આના દ્વારા, પારાના એક ખાસ પ્રકાર મર્ક્યુરી-198ને મર્ક્યુરી-197માં રૂપાંતરિત કરી શકાય છે. ત્યારબાદ મર્ક્યુરી-197ના રેડિયોએક્ટિવ ક્ષય દ્વારા સ્થિર ગોલ્ડ-197 બનાવવાની પ્રક્રિયા હોય છે. જોકે, આ પ્રક્રિયા દરમિયાન રેડિયોધર્મી પદાર્થ પણ ઉત્પન્ન થઈ શકે છે, અને તેને સુરક્ષિત સ્તર સુધી લાવવું એક મોટો પડકાર છે.

CERN પણ બનાવી ચૂકી છે સોનાના પરમાણું
યુરોપિયન વૈજ્ઞાનિક સંસ્થા CERNના વૈજ્ઞાનિકોએ પણ લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC)માં પરમાણુઓને અથડાવીને સોનાના ન્યૂક્લિયસ ઉત્પન્ન કર્યા હતા. 2015-2018 વચ્ચે કરવામાં આવેલા પ્રયોગોમાં અંદાજે 86 અબજ સોનાના ન્યૂક્લિયસ બન્યા હતા, જેનું કુલ વજન લગભગ 29 પીકોગ્રામ હતું. આ માત્રા એટલું ઓછું હતું કે તેનો વ્યાપારી ઉપયોગ સંભવ નહોતો. આ ઉપરાંત, આ સોનાના ન્યૂક્લિયસ એક સેકન્ડના ખૂબ જ નાના ભાગમાં જ વિઘટિત (decay) થઈ ગયા હતા.
મેરેથોન ફ્યૂઝનનો દાવો અલગ છે કારણ કે કંપની ફ્યૂઝન રિએક્શનથી ઉત્પન્ન થતા ન્યૂટ્રોનનો ઉપયોગ કરીને મોટી માત્રામાં સોનું ઉત્પન્ન કરવાની શક્યતા તપાસી રહી છે. પરંતુ, કંપનીના તાજેતરના પ્રયોગો અંગેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
કેટલું સોનું બનાવવાનું અનુમાન છે?
મેરેથોન ફ્યૂઝનના 2025ના એક સંશોધન પત્રમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, વ્યપારી સ્તર પર કામ કરનાર એક પ્લાન્ટ દર વર્ષે એક ગીગાવોટ થર્મલ પાવરના અધાર પર લગભગ 2 ટન સોનું ઉત્પન્ન કરી શકે છે. તેની તુલનામાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, 2025માં વિશ્વભરની સોનાની ખાણોમાંથી લગભગ 3692 ટન સોનું ઉત્પન્ન થયું હતું. તો, એવો અંદાજ છે કે જૂન 2026 સુધીમાં, ખાણકામ દ્વારા કાઢવામાં આવેલું અને હાલમાં વિશ્વભરમાં ઉપલબ્ધ કુલ સોનું આશરે 2,22,600 ટન જેટલું હતું.

શું સોનાના ભાવ ઘટશે?
ભવિષ્યમાં જો આ કંપની વાર્ષિક 2 ટન સોનું ઉત્પન્ન કરવામાં સફળ થાય, તો પણ તે વિશ્વના કુલ વાર્ષિક સોનાના ઉત્પાદનનો એક ખૂબ નાનો હિસ્સો જ હશે. આ ઉપરાંત કંપની પાસે હાલમાં આટલી મોટી ક્ષમતા ધરાવતું રિએક્ટર નથી; તેમની વેબસાઇટ મુજબ, તેમનું રિએક્ટર અત્યારે 1 કિલોવોટ ફ્યૂઝન પાવર આઉટપુટના સ્તર પર છે, જ્યારે સંશોધન પત્રના અંદાજો એક ગીગાવોટ ક્ષમતાવાળા પ્લાન્ટ પર આધારિત છે.
એટલે કે, કંપનીની ક્ષમતા અને વ્યાપારી સ્તરે સોનું ઉત્પન્ન કરવાના તેના લક્ષ્ય વચ્ચે મોટું અંતર છે. એવામાં એવું કહેવું વહેલું ગણાશે કે, લેબમાં બનેલા સોનાને કારણે બજારમાં સોનાની કિંમત ઘટી શકે છે. લેબમાં સોનું બનાવવાના દાવાઓ વચ્ચે પણ, સોનાના ભાવમાં ઘટાડાનો વલણ પહેલેથી જ જોવા મળી રહ્યો હતો. આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સોનાનો ભાવ 1 જાન્યુઆરીના સ્તર કરતા 5.56% નીચે ચાલી રહ્યો હતો. જોકે જાન્યુઆરીના અંત સુધીમાં ભાવ વર્ષની શરૂઆતના સ્તર કરતા લગભગ 25% જેટલા વધી ગયા હતા, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો આવ્યો.