fbpx

પ્રતાપ દૂધાત બગડ્યા- નિલેશ ભાજપની આડમાં જ્યાં સંતાવવું હોય ત્યાં સંતાઇ જજો પણ…

Spread the love

સુરતમાં લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ગુસ્સો સાતમા આસમાન પર છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે તો ચિમકી આપી દીધી છે કે, ભાજપની આડમાં જ્યાં સંતાવવું હોય ત્યાં સંતાઇ જજો, પરંતુ છેલ્લાં શ્વાસ સુધી છોડીશ નહી. સુરતમાં ક્યાં તો નિલેશ કુંભાણી રહેશે ક્યાં તો પ્રતાપ દુધાત. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવવાની ચર્ચા ચાલી રહી છે અને અત્યારે ગોવામાં જલસાં કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાને કારણે કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગઇ છે અને કાર્યકરોમાં પણ ભારે નારાજગી છે. નિલેશ કુંભાણીને કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા. અને પૈસાનો મોટો ખેલ થયો હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે.

સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પુર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટન માટે પહોંચ્યા હતા. તેમણે આ પ્રસંગે દુધાતે પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે, પ્રતાપ દુધાત સ્મશાને જશે ત્યાં સુધી સુરતના એ ગદ્દાર નિલેશ કુંભાણીનો કેડો છોડવાનો નથી. હું પોતે છેલ્લાં શ્વા સુધી કુંભાણી સામે લડત આપીશ. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટીને તો મોટું નુકસાન કર્યું જ છે, પરંતુ પ્રજાની પીઠમાં પણ ખંજર ભોંક્યું છે. હું તેમને બતાવીશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે.

પ્રતાપ દુધાતે કહ્યું કે, નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ભલે તમે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જજો. 7 મે ચૂંટણીના મતદાન પછી મારી લડાઇ શરૂ થશે.

પ્રતાપ દુધાત લીલિયાના ક્રકચ ગામના વતની છે અને તેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેમણે સ્થાનિક સ્વરાજથી માંડીને વિધાનસભાની ચૂંટણી લડી છે. વર્ષ 2017માં સાવરકુંડલા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા.ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ પ્રતાપ દુધાતે ઝંપલાવ્યું હતું, પરંતુ તેમનો પાતળા માર્જિનથી પરાજય થયો હતો. કોંગ્રેસના યુવાન અને ઉત્સાહી નેતા તરીકે તેમની ઓળખ છે.

error: Content is protected !!
%d bloggers like this: