fbpx

ગોલીએ 16 વર્ષ પછી TMKOC છોડ્યું: થયો ભાવુક,’અભિનેતા બદલાઈ શકે છે, પાત્ર નહીં’

Spread the love

TV શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ પછી આ શોને અલવિદા કહી દીધું છે. થોડા મહિના પહેલા કુશે શો છોડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. જો કે હવે તેણે પોતે જ એક વીડિયોમાં આ જાણકારી આપી છે.

વીડિયોમાં કુશે તેના ફેન્સને કહ્યું, ‘જ્યારે આ શો શરૂ થયો ત્યારે તમે અને હું પહેલીવાર મળ્યા હતા, હું ઘણો નાનો હતો. ત્યારથી તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે મને જેટલો પ્રેમ આપ્યો છે, તેટલો આ પરિવારે પણ મને આપ્યો છે. મેં અહીં ઘણી બધી યાદો બનાવી છે. અહીં ખૂબ મજા કરી છે.’

તેણે આગળ કહ્યું, ‘મેં મારું બાળપણ અહીં વિતાવ્યું છે. હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા શ્રી અસિત કુમાર મોદીનો આભાર માનું છું. તેમણે મારા પર ઘણો વિશ્વાસ કર્યો, મારા પાત્રને ખૂબ જ રસપ્રદ બનાવ્યું અને હંમેશા મને પ્રેરણા આપી. તેમના ભરોસાના કારણે જ આજે કુશ ગોલી બની શક્યો હતો.’

કુશે ‘તારક મહેતા’ની આખી કાસ્ટ સાથે કેક કાપી. તેમના વખાણ કરતા આસિત મોદીએ કહ્યું કે, ગોલી બાળપણથી જ ગોકુલધામ સોસાયટીનો હિસ્સો છે અને તેણે હંમેશા પોતાના પાત્રમાં સાતત્ય જાળવી રાખ્યું છે.

ત્યાર પછી કુશ ભાવુક બની ગયો હતો. તેણે દરેકને ગર્વ અનુભવવાનું વચન આપ્યું. પોતાની 16 વર્ષની સફરને ખૂબ જ સુંદર ગણાવતા તેણે નવા ‘ગોલી’નો પરિચય આપ્યો.

તેણે આગળ કહ્યું, ‘તમારા પ્રેમને યાદ કરીને હું આ શોને અલવિદા કહું છું. પણ હા, માત્ર હું, કુશ શાહ, ગુડબાય કહી રહ્યો છું. તમારો ‘ગોલી’ એ જ રહેશે. એ જ ખુશી, એ જ હાસ્ય, એ જ તોફાન. તારકમાં એક્ટર બદલાઈ શકે છે, પણ પાત્ર નહીં.’

આ શોના કોઈપણ પાત્રની વાત કરીએ તો, લોકોએ દરેકને ઘણો પ્રેમ આપ્યો છે. પછી તે જેઠાલાલ હોય કે બબીતા જી કે પછી ભીડે કે પોપટલાલ. આ સિરિયલમાં ટપ્પુ સેનાની પણ એક અલગ સ્ટાઈલ હતી અને લોકોએ આ બાળકોના ગ્રુપને ખૂબ પસંદ પણ કર્યું હતું. હવે આ ટપ્પુ સેનાનો અન્ય એક સભ્ય શોને અલવિદા કહી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ગોલી શોને બાય-બાય કહી રહ્યો છે ત્યારે તેની જગ્યાએ એક નવો કલાકાર એન્ટ્રી કરશે.

ભૂતકાળમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. જેમાં દિશા વાકાણી (દયાબેન), નેહા મહેતા (અંજલી ભાભી), ગુરચરણ સિંહ (સોઢી), ભવ્ય ગાંધી (જૂનો ટપ્પુ), જેનિફર મિસ્ત્રી (રોશન ભાભી) અને શૈલેષ લોઢા (તારક મહેતા)નો સમાવેશ થાય છે.

error: Content is protected !!