fbpx

અમેરિકાએ ભારતીય શેરબજારને હલાવી નાખ્યું…સાડા ચાર લાખ કરોડનું ધોવાણ

Spread the love

અમેરિકામાં આવેલી મંદીના ભય વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઘણા મોટા શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે. મારુતિ સુઝુકીના શેરનું મૂલ્ય રૂ. 12,000થી વધુ છે, તેમાં 5 ટકાનો ઘટાડો થયો છે અને તે BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં સૌથી વધુ ઘટ્યો છે.

ગુરુવારે અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર આજે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સ 885.60 પોઈન્ટ અથવા 1.08 ટકા ઘટીને 80,981.95 પર બંધ થયો. નિફ્ટી50ની વાત કરીએ તો તે 293.20 પોઈન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે તેનું દિવસનું સૌથી નીચું સ્તર 24,686.85 સુધીનું હતું.

અહીં તમને જણાવી દઈએ કે, સેન્સેક્સ 631 પોઈન્ટ ઘટીને 81235ના સ્તર પર ખુલ્યો, જ્યારે નિફ્ટી50 227 પોઈન્ટ ઘટીને 24,783 પર ખુલ્યો. ગુરુવારે સેન્સેક્સ 81,867.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 25000 અંકોની ઉપર બંધ થયો હતો.

સેન્સેક્સમાં આવેલા જંગી ઘટાડાને કારણે શુક્રવારે BSEનું માર્કેટ કેપ રૂ. 4.56 લાખ કરોડ ઘટીને રૂ. 457.06 લાખ કરોડ થયું હતું. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે શુક્રવારે BSE હેઠળ રોકાણકારોના મૂલ્યમાં રૂ. 4.56 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

હકીકતમાં, અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. જ્યારે, IT સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં સૌથી મોટો ઘટાડો મારુતિ સુઝુકીના શેરમાં આવ્યો છે. શુક્રવારે તે 4.63 ટકા ઘટીને રૂ. 12730.95 પર બંધ થયો હતો. ટાટા મોટર્સનો શેર આજે 4.17 ટકા ઘટીને રૂ. 1096.90 પર બંધ થયો હતો. JSW સ્ટીલનો શેર લગભગ 4 ટકા અને ટાટા સ્ટીલનો શેર 3 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આ પછી L&Tના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો છે. કુલ 30 શેરમાંથી 25 શેર ઘટ્યા હતા અને બાકીના પાંચ શેર નજીવા વધ્યા હતા.

નોંધ: તમારે તમારા પૈસાનું કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.

error: Content is protected !!