fbpx

યુવતીને સેલ્ફી લેવી પડી મોંઘી, 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી, જુઓ કેવી રીતે થયો બચાવ

Spread the love

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સેલ્ફી લેતી વખતે એક યુવતી 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ અંગે લોકોને જાણ થતાં તુરંત જ હોમગાર્ડ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કલાકોની મહેનત પછી દોરડાની મદદથી કોઈક રીતે યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જોકે તેને સામાન્ય ઈજાઓ થઈ છે.

યુવતીના બચાવ અભિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દોરડાની મદદથી યુવતીને ઉપર લાવવામાં આવી રહી છે. યુવતી પીડાને કારણે ચીસો પાડી રહી છે. મળતી માહિતી મુજબ, યુવતી ચોમાસાની મજા માણવા માટે ધોધ જોવા આવી હતી.

બોરણે ઘાટ પર બનેલી આ ઘટનામાં હોમગાર્ડ અને સ્થાનિક લોકોની મદદથી યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. સતારાના પશ્ચિમમાં ભારે વરસાદને કારણે ઠોસેઘર ધોધ સહિત અન્ય ધોધમાં ખુબ જ પાણી વહી રહ્યું છે. પ્રવાસન સ્થળો બંધ હોવા છતાં, ઘણા ઉત્સાહી પ્રવાસીઓ અહીં જઈ રહ્યા છે.

યુવતી નીચે પડી ગયા પછી સ્થાનિક લોકો દોરડું લઈને આવ્યા હતા. આ દરમિયાન એક યુવક તેનો જીવ બચાવવા માટે દોરડાની મદદથી દેવદૂતના રૂપમાં નીચે જતો જોવા મળે છે, નીચેથી તે યુવતીને દોરડાની મદદથી ઉપર તરફ ખેંચીને લાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બચાવ કામગીરી દરમિયાન યુવતી પીડાથી ચીસો પાડી રહી છે. સ્થાનિક લોકોની મદદથી તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે ખરાબ રીતે ઘાયલ છે.

શનિવારે પુણેના કેટલાક લોકો ઠોસેઘર ધોધ જોવા ગયા હતા, જ્યાં બોરણે ઘાટ પર સેલ્ફી લેતી વખતે નસરીન અમીર કુરેશી (21) નામની છોકરી 100 ફૂટ ઊંડા ઘાટમાં પડી ગઈ હતી. હોમગાર્ડ અને સ્થાનિક લોકોની મદદથી યુવતીને બચાવી લેવામાં આવી હતી અને તેને સારવાર માટે સતારાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સતારામાં અતિશય વરસાદને કારણે DMએ 2જીથી 4 ઓગસ્ટ સુધી પ્રવાસન સ્થળો અને ધોધના સ્થળો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કેટલાક ઉત્સાહી પ્રવાસીઓ અહીં પહોંચવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે.

પ્રવાસન સ્થળોએ જનારા લોકોએ જોખમી સ્થળોએ સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાના ચક્કરમાં તમારો જીવ જોખમમાં મૂકવો એ કોઈપણ રીતે યોગ્ય નથી. આપણે એ સમજવું પડશે કે એક ક્ષણની બેદરકારી કેવી રીતે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તેથી, કોઈપણ પ્રકારનો ફોટો અથવા વિડિયો તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.

error: Content is protected !!