fbpx

શું પાડોશી નાદાર થાય તો તમને લોન નહીં મળે! આ વિશે સંસદમાં નાણામંત્રીએ આપ્યો જવાબ

Spread the love

સોમવારે સંસદમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેણે નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ આશ્ચર્યચકિત કરી દીધા. એક વિપક્ષી સાંસદે સંસદમાં કહ્યું કે, એક ગામમાં 2-3 લોકો ડિફોલ્ટ થયા પછી, સરકારી બેંકો આખા ગામને લોન આપવાનો ઇનકાર કરે છે.

શું તમે જાણો છો કે જો તમારો પાડોશી લોન લીધા પછી બેંકોને પૈસા પરત ન કર્યા, અને નાદાર થઇ ગયો તો બેંકો તમને લોન આપવાનો પણ ઇનકાર કરી શકે છે. ઓછામાં ઓછું સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પરથી તો એવું લાગે છે. જ્યારે વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આનો જવાબ આપવો પડ્યો. જો તમારી સાથે આવો કિસ્સો બને તો તમે તેની ફરિયાદ કોને અને ક્યાં કરી શકો.

હકીકતમાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોલાપુર (મહારાષ્ટ્ર)ના સાંસદ પ્રણિતી સુશીલકુમાર શિંદેએ સંસદમાં એક મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રીય બેંકોએ ઘણા ગામોને દત્તક લીધા હોય છે. પરંતુ એક જ ગામમાં 2-3 ડિફોલ્ટર થાય તો આખા ગામને તેની કિંમત ચૂકવવી પડે છે. બેંકો ગામના બાકીના લોકોને લોન આપવાનો ઇનકાર કરે છે, જેમાં ખેડૂતો અને યુવાનો પણ સામેલ છે. જો હું DMને ફરિયાદ કરું તો તે કહે છે કે તે મારા નિયંત્રણમાં નથી. તે RBIના નિયંત્રણ હેઠળ છે. આવી સ્થિતિમાં ઘણા ગામોના લોકો મુદ્રા લોન મેળવી શકતા નથી. તો શું આ અંગે કંઈ કરવામાં આવશે?

વિપક્ષના સવાલ પર નાણામંત્રીએ બેંકોનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, આ બાબત બેંકોના કામ કરવાની રીતમાં બંધબેસતી નથી. પરંતુ, જો કોઈ વિસ્તારમાં આવું થતું હશે તો હું તેને ખૂબ જ ગંભીરતાથી લઈશ. મુદ્રા લોનનું વિતરણ આ રીતે થતું નથી. બેંકો આ કરી શકતી નથી. હું નિશ્ચિતપણે કહી શકતી નથી કે, આવું થશે. જો આમ થતું જ હશે તો પણ આ અંગે સંપૂર્ણ માહિતી લેવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ જોવામાં આવશે.

બેંકિંગ મામલાના નિષ્ણાતોએ પણ આવા કેસને નકારી કાઢ્યા છે. વોઈસ ઓફ બેંકિંગના જનરલ સેક્રેટરી અશ્વિની રાણા કહે છે કે, બેંકો આવી પ્રેક્ટિસ કરતી નથી. જો આવો કિસ્સો સામે આવ્યો હોય તો તે વ્યક્તિગત ધોરણે થયો હશે. સામાન્ય રીતે બેંકો આવું કરતી નથી. SBIના મેરઠ બ્રાન્ચ મેનેજર વિકાસ પણ આવું જ કહે છે. તેમણે કહ્યું કે હાલમાં આવો કોઈ મામલો મારા ધ્યાન પર આવ્યો નથી અને દરેક વ્યક્તિની વ્યક્તિગત સ્થિતિ અનુસાર લોનનું વિતરણ નક્કી કરવામાં આવે છે. એક વ્યક્તિની ભૂલની સજા દરેકને ન આપી શકાય.

જો બેંક તમને કોઈપણ માન્ય કારણ વગર લોન આપવાનો ઇનકાર કરે અને એક મહિનામાં ફરિયાદોનું નિરાકરણ ન લાવે, તો RBI લોકપાલને ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંકે સામાન્ય માણસને ઓનલાઈન ફરિયાદ કરવાની સુવિધા પૂરી પાડી છે. તમારે https://rbi.org.in/Scripts/Complaints.aspx પોર્ટલ પર જવું પડશે. અહીં જરૂરી માહિતી આપ્યા પછી, તમે તમારી ફરિયાદની વિગતો દાખલ કરી શકો છો. RBI આના પર તુરંત મફત અને કડક પગલાં લે છે અને તમારી ફરિયાદનું ટૂંક સમયમાં નિરાકરણ પણ કરવામાં આવશે.

error: Content is protected !!