બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના કિસ્સાઓ અટકતા નથી. જે સમયે કેટલાક હિંદુઓ ઢાકામાં રેલી કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. તે સમયે પણ એક હિન્દુ છાત્રાની છેડતી કરવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીનાને દેશ છોડીને ભાગી જવું પડ્યું ત્યારથી અત્યાર સુધી BJP સતત આરોપ લગાવી રહ્યું છે કે, કોંગ્રેસ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો પર મૌન પાળીને સૂઈ રહી છે. બાંગ્લાદેશી હિંદુઓની હત્યા અને તેમના પરિવારોની જાતીય સતામણીના મામલા પર રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓના મૌન પછી, BJPએ રીલ હિન્દુ અને રિયલ હિન્દુ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે.
શેખ હસીનાએ PM પદેથી રાજીનામું આપ્યા પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. મોહમ્મદ યુનુસે શપથ લીધા પછી ભારતના PM નરેન્દ્ર મોદીએ તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે PM મોદીએ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા સામે અવાજ ઉઠાવ્યો હતો અને મોહમ્મદ યુનુસને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
જ્યારે, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ, તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર કંઈ કહ્યું ન હતું. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે માત્ર રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસના તમામ નેતાઓએ પણ એક શબ્દ પણ ન બોલ્યો.
નવાઈની વાત એ છે કે, જ્યારે ગાઝા હવાઈ હુમલામાં મુસ્લિમ સમુદાયના લોકો માર્યા ગયા ત્યારે તેઓએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. પરંતુ, જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, તેમના ઘર, દુકાનો અને મંદિરોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ મૌન જાળવ્યું છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી હવે BJPના નિશાના પર આવી ગઈ છે. BJPએ આ મુદ્દે કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રીયલ હિન્દુ અને રીલ હિન્દુ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. શહેઝાદ પૂનાવાલાએ પોતાની એક્સ પોસ્ટમાં PM મોદી અને રાહુલ ગાંધીની પોસ્ટ શેર કરી છે. એક તરફ PM મોદી મોહમ્મદ યુનુસને અભિનંદન આપવાની સાથે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી હતી. બીજી બાજુ રાહુલ ગાંધીએ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા હમાસ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
BJPના નેતા CR કેશવને પણ પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓના મુદ્દા પર રાહુલ ગાંધીના મૌનની ટીકા કરી હતી. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું, ‘કોંગ્રેસે ત્યાંના લોકોની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવા માટે ગાઝા જેવા મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર લાંબી લાંબી પોસ્ટ્સ કરી. મોહમ્મદ યુનુસને અભિનંદન આપતાં PM મોદીએ તેમને હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. જોકે, કોંગ્રેસે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણના મુદ્દે મૌન જાળવ્યું છે.’
આ સાથે CR કેશવને ગાઝા એર સ્ટ્રાઈકમાં મુસ્લિમ સમુદાયના લોકોની હત્યા અંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ભૂતપૂર્વ પોસ્ટ પણ શેર કરી હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક્સ પોસ્ટ પર લખ્યું હતું કે, ‘ગાઝામાં થઈ રહેલા ભયંકર નરસંહારમાં નિર્દોષ નાગરિકો, માતાઓ, પિતા, ડૉક્ટરો, નર્સો, સહાયતા કાર્યકરો, પત્રકારો, શિક્ષકો, લેખકો, કવિઓની દિવસેને દિવસે હત્યા થઈ રહી છે. વરિષ્ઠ નાગરિકો અને હજારો નિર્દોષ બાળકો માટે માત્ર બોલવું પૂરતું નથી.’
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાના PM પદ પરથી રાજીનામું આપ્યા પછી હિન્દુઓ પર હુમલાઓ ખુબ જ વધી ગયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે. તેમના ઘરો લૂંટાઈ રહ્યા છે અને અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. બીજી તરફ, સત્તાધારી BJP ભારતની વિપક્ષી રાજકીય પાર્ટીઓના ‘મૌન’ પર સતત સવાલો ઉઠાવી રહ્યું છે.