કોંગ્રેસે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની અંદર પેટા વર્ગીકરણ અને ક્રીમી લેયર સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ શનિવારે કહ્યું કે, સરકારે આ નિર્ણય આવતા જ સંસદના માધ્યમથી રદ્દ કરવો જોઇતો હતો. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર અનામત ખતમ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો. ખરગેએ એમ પણ કહ્યું કે, કોઇએ ક્રીમી લેયરના નિર્ણયને માન્યતા ન આપવી જોઇએ અને જ્યાં સુધી અસ્પૃશ્યતા છે, ત્યાં સુધી અનામત રહેવું જોઇએ.
મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોએ એક નિર્ણય લીધો છે, જેમાં તેમણે SC-ST વર્ગના લોકોના પેટા વર્ગીકરણ સાથે જ ક્રીમી લેયરની પણ વાત કરી છે. ભારતમાં દલિત સમુદાયના લોકો માટે અનામત બાબસાહેબના પૂના પેક્ટના માધ્યમથી મળ્યું હતું. ત્યારબાદ પંડિત જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી તરફથી અનામત નીતિને ચાલુ રાખવામાં આવી. રાજનીતિક અનામત સાથે જ શિક્ષણ અને રોજગારમાં પણ અનામત એક જરૂરી મુદ્દો હતો, પરંતુ હવે SC-STના લોકોને ક્રીમી લેયરનું કહીને અનામતથી બહાર કાઢવા, તેમના ઉપર એક મોટો પ્રહાર છે.
ખરગેએ આરોપ લગાવ્યો કે, ભાજપનો ઇરાદો અનામત ખતમ કરવાનો છે. તેમણે કહ્યું કે, આજે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને ખાનગી હાથોમાં સોંપીને સરકારી નોકરી અને અનામત ખતમ કરવામાં આવી રહ્યું છે. એક તરફ દેશમાં લાખો સરકારી નોકરીઓ છે, જેમાં ભરતીઓ કરવામાં આવી રહી નથી. બીજી તરફ ક્રીમી લેયર લાવીને દલિત સમાજને કચડી રહ્યા છે. હું તેનો વિરોધ કરું છું. મલ્લિકાર્જૂન ખરગે મુજબ, SC-STનો આ જે મુદ્દો ઉઠ્યો છે, તેમાં દલિત-વંચિતો બાબતે વિચારવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ દેશમાં અસ્પૃશ્યતા છે, ત્યાં સુધી અનામત રહેવું જોઇએ અને રહેશે. તેના માટે અમે લડતા રહીશું. મારી અપીલ છે કે બધા મળીને આ ક્રીમી લેયરના નિર્ણયને માન્યતા ન આપે. કર્ણાટકમાં આજે પણ એવા કેટલાક ગામ છે, જ્યાં લોકોને અંદર આવવા દેવાતા નથી. જ્યાં સુધી દેશમાં એવી વસ્તુઓ ચાલી રહી છે, તમે અનામત ખતમ નહીં કરી શકો. દરેક રાજ્યમાં SC-STની લિસ્ટ અલગ હોય છે એટલે આ લિસ્ટમાં કોને કેટલો ફાયદો થાય છે અને કોને નુકસાન થાય છે આ વિષયમાં અમે સુક્ષ્મતાથી વિચારીને આગાળ પગલું વધારીશું.
આ મુદ્દા પર રાહુલ ગાંધીજી પણ વિચારી રહ્યા છે, તેમણે ઘણા બુદ્ધિજીવીઓને બોલાવીને આ વિષયમાં ચર્ચા પણ કરી છે. અમે દલિતો-વંચિતોની રક્ષા માટે જે પણ કરી શકીએ છીએ તે કરીશું. આજે અનામત રહેતા પણ સુપ્રીમ કોર્ટમાં દલિત સમાજના લોકો નથી. સુપ્રીમ કોર્ટમાં પણ નામ માત્રના લોકો છે. તો અધિકારીઓના મોટા પદો પર પણ કોઇ નથી. કોંગ્રેસ લીડરે સવાલ કર્યો કે, એટલો બધો બેકલોગ હોવા છતા ક્રીમી લેયર કેવી રીતે લાગૂ કરી શકાય છે.
વડાપ્રધાન કહે છે કે અમે તેને હાથ નહીં લગાવીએ. જો એમ હતું તો તમારે તરત જ કહી દેવું જોઇતું હતું. તેને સંસદમાં જ લાવીને સુપ્રીમ કોર્ટનો નિર્ણય નકારી દેવો જોઇતો હતો, પરંતુ આજે 10-15 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ તેના માટે તમારી પાસે સમય નથી. ખરગેએ કહ્યું કે, આ વિષય પર અમે પરામર્શ સમિતિ બનાવીશું. આ મુદ્દા પર અમે ગેર સરકારી સંગઠનો સાથે મળીશું અને તેમના મંતવ્ય લઇશું અને બધાને સાથે લઇને વધીશું. કોંગ્રેસ ઇચ્છે છે કે અમે એવા ગેર સરકારી સંગઠનોને પણ તેમાં સામેલ કરીએ, જે ઘણા વર્ષથી આ વિષય પર કામ કરી રહ્યા છીએ. એટલે અમે બધાના મંતવ્ય આગળ લઇને આગળ વધશે.