અમદાવાદમાં પંજાબ નેશનલ બેન્ક (PNB)એ લોન ન ચૂકવવા પર શાળા સીલ કરી દીધી છે. આ શાળામાં ભણતા 452 બાળકોના માતા-પિતાની ચિંતા વધી ગઈ છે. તેમનું કહેવું છે કે બાળકો સ્કૂલ જાય છે પરંતુ શાળામાં તાળું લાગેલું જોઈને ઘરે પાછા આવતા રહે છે. તેમને બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. ઇસનપુરમાં સ્થિત લોટસ સ્કૂલ, બેન્ક દ્વારા સીલ કરવાના કારણે ચર્ચાનો વિષય બની છે. શાળા મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલી લોનની રકમની ચૂકવણી સમય પર ન કરવાના કારણે બેન્ક દ્વારા શાળાને સીલ કરી દેવામાં આવી છે.
ધ લોટસ હાયર સેકન્ડરી સ્કૂલ સીલ થવાના કારણે આ શાળામાં ભણતા 452 બાળકોના માતા-પિતાની ચિંતા વધી ગઈ છે. બાળકો શાળાએ જાય છે, પરંતુ શાળા પર તાળું લાગેલું જોઈને ઘરે જતા રહે છે. શાળાના ટ્રસ્ટી રમણિકભાઈનું કહેવું છે કે, અમે PNB બેન્ક પાસે મોર્ગેજ લોન લીધી હતી. અમે જલદી જ બાકી લોનની રકમ ચૂકવી દઇશું અને શાળાને સીલ ખોલાવી દઇશું. તો અમદાવાદના DEOને જેવી જ લોટસ હાયર સેકન્ડરી સીલ થવાની જાણકારી મળી, તેમણે શાળા મેનેજમેન્ટને નોટિસ આપીને પૂછ્યું કે શાળા ક્યારથી શરૂ થશે કે શાળાના બાળકો માટે વૈકલ્પિક શું વ્યવસ્થા કરવામાં આવી છે.
DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, સમય પર મોર્ગેજ લોનની ચૂકવણી ન કરવા પર શાળાને નોટિસ આપવામાં આવી હતી. 1.25 કરોડ રૂપિયા બાકી હોવાના કારણે મેજીસ્ટ્રેટે આદેશ આપ્યો હતો કે 10 ઑગસ્ટ સુધી બાકી રકમની ચૂકવણી કરવામાં આવે, અન્યથા શાળાને સીલ કરી દેવામાં આવશે. જો શાળા નક્કી સમયમાં બાકી રકમની ચૂકવણી કરતી નથી, તો શાળાને સીલ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે DEOએ શાળા મેનેજમેન્ટને 20 ઑગસ્ટ સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.
ઉપરાંત DEOએ આ બાબતને સંચાલકોની ગંભીર બેદરકારી માની છે. સ્કૂલના બિલ્ડિંગને મોર્ગેજમાં રાખી હોવા છતા પણ સ્થાનિક શિક્ષણ વિભાગને તેની જાણ કરવામાં આવી નહોતી. આ બાબતને ધ્યાને લઈને સ્કૂલના કર્મચારીઓ માટે પણ શું વ્યવસ્થા કરવામાં આવી છે તેનો પણ ખુલાસો કરવાની સૂચના આપવામાં આવી છે. લોટસ સ્કૂલમાં કુલ 452 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ધોરણ-1મા 34, ધોરણ-2મા 23, ધોરણ-3મા 49, ધોરણ-4મા 38, ધોરણ -5મા 30, ધોરણ-6મા 47, ધોરણ-7મા 37, ધોરણ-8મા 43, ધોરણ-9મા 48, ધોરણ-10મા 39, ધોરણ-11મા 36, ધોરણ-12માં 28 વિદ્યાર્થી છે.