અમેરિકાના ન્યૂયોર્કમાં આગામી ઈન્ડિયા ડે પરેડને લઈને વિવાદ થઈ ગયો છે. આ પરેડમાં ઝાંખીઓમાં અયોધ્યાના રામ મંદિરને દેખાડવામાં આવ્યું છે, જેનો ઘણા સંગઠનોએ મુસ્લિમ વિરોધી બતાવીને વિરોધ કર્યો છે. તેનો વિરોધ કરતા કેટલાક સંગઠનો અને લોકોએ ન્યૂયોર્કના મેયરને ચિઠ્ઠી લખી છે. કેટલાક અમેરિકન સંગઠનોએ ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ અને ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચૂલને એક ચિઠ્ઠી લખી છે જેમાં ઝાંખીઓને મુસ્લિમ વિરોધી બતાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એ મસ્જિદને ધરાશાયી કરવાનું મહિમામંડન કરે છે.
ચિઠ્ઠીમાં હસ્તાક્ષર કરનારા સંગઠનોમાં કાઉન્સિલ ઑન અમેરિકન ઈસ્લામિક રિલેશન્સ, ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ સામેલ છે. એ સિવાય હિન્દુ ફોર હ્યુમન રાઇટ્સ પણ સાઇન કરનારાઓમાં સામેલ છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે આ ઝાંખીની ઉપસ્થિતિ હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાને ભારતીય ઓળખ સાથે જોડાવાની ઇચ્છાને પ્રદર્શિત કરે છે, જ્યારે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. તો ઝાંખીનું આયોજન કરનાર વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાનું કહેવું છે કે આ એક હિન્દુ પૂજા સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું ઉદ્દેશ્ય ભારતીય અને હિન્દુ ઓળખના એક મહત્ત્વપૂર્ણ હિસ્સાના રૂપમાં જાણીતા દેવતાનું મહિમામંડન કરવાનું છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું કે, એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો છે. રવિવારે કાર્યક્રમના સંચાલક ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશને કહ્યું કે, પરેડ ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમાં વિભિન્ન સમુદાયોની ઝાંખીઓ સામેલ થશે. આ અઠવાડિયાની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મેયર એડમ્સે કહ્યું કે, નફરત માટે કોઈ જગ્યા નથી. જો પરેડમાં કોઈ ઝાંખી કે કોઈ વ્યક્તિ છે જે નફરતને પ્રોત્સાહન આપી રહી છે તો એવું ન કરવું જોઈએ.
એડમ્સના કાર્યાલયે બાદમાં એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે અમેરિકન સંવિધાનનું પહેલું સંશોધન શહેરને પરમિટ આપવાથી ઇનકાર કરવા કે કોઈ ઝાંખી કે પરેડના સંદેશને બદલવાની માગ કરતા રોકે છે, માત્ર એટલે કે એ સમગ્રીથી અસહમત છે. ગુરુવારે મોડી રાત્રે તેમની ઓફિસે એમ પણ કહ્યું કે, મેયર એડમ્સની રવિવારે પરેડમાં સામેલ થવાની કોઈ યોજના નથી, જ્યારે તેઓ પાછલા વર્ષોમાં સામેલ થતા રહ્યા છે.