fbpx

સર્જરીમાં વપરાયેલ રોબોટીક ઇન્સ્ટુમેન્ટનો ક્લેઇમ ચુકવવા વીમા કંપની જવાબદાર: કોર્ટ

Spread the love

સાયન્સ અને ટેકનોલોજીના ડેવલપમેન્ટની સાથે મેડીકલ સર્જરીની ટેકનિકસમાં પણ નવી-નવી શોધો થઇ છે. શસ્ત્રક્રીયા વધુ ચોકક્સ પણે અને અસરકારક રીતે થઇ શકે તે માટે રોબોટસનો ઉપયોગ થવા લાગ્યો છે. સર્જરીમાં જયારે રોબોટનો ઉપયોગ થાય ત્યારે રોબોટના કેટલાક ભાગ એવા હોય છે કે જે એકવાર શસ્ત્રક્રીયા કર્યાબાદ ફરી બીજી શસ્ત્રક્રીયામાં ઉપયોગમાં લઇ શકાતા નથી. જેથી હોસ્પિટલો/ ડોકટરો રોબોટના તેવા પાર્ટનું બીલ દર્દીની પાસે વસુલ કરતા હોય છે. જે સ્વભાવિક છે. પરંતુ, વીમા કંપનીઓ રોબોટીક પાર્ટના ખર્ચનો વીમાના કલેઈમ મેડીકલેઈમ પોલીસી હેઠળ મંજુર કરતી નથી. એવા જ એક સુરત જિલ્લાના કેસમાં દર્દીએ નડીયાદ કીડની હોસ્પિટલ ખાતે કરાવેલ સર્જરી સંબંધિત કલેઈમમાંથી રોબોટીક પાર્ટનો વીમા કંપનીએ નામંજુર કરેલ કલેઈમ ચુકવવા વીમા કંપની જવાબદાર હોવાનું સુરત જિલ્લા ગ્રાહક કમિશને ઠારવ્યું હતું. એટલુ જ નહી પણ તે ઉપરાંત વીમા કંપનીએ હોસ્પિટલના બીલમાંથી કેટલાક ચાર્જીસ Reasonable and Customary ન હોવાનું જણાવી નામંજુર કર્યા હતા તે ચાર્જીસ ચૂકવવાનો પણ વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો હતો.

કેસની વિગત મુજબ એક ફરિયાદી (બારડોલી, સુરત)ના એ ધી ન્યુ ઇન્ડિયા એસ્યો. કં. લિ. (સામાવાળા) એ વિરુધ્ધ એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઇશાન શ્રેયસ દેસાઈ મારફત કારાવેલ ફરિયાદની વિગત એવી હતી કે, ફરિયાદી સામાવાળા વીમા કંપનીની રૂા. 8, ૦૦,૦૦૦/- મેડીકલેઈમ ઇન્સ્યુરન્સ ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમ્યાન સપ્ટેમ્બર-2019મા ફરિયાદીને પેટના ભાગમાં તીવ્ર દુખાવો ઉભો થતા નડીયાદ મુકામે આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા. જયાં સર્જરી કરવાની સલાહ આપેલી. અને તે મુજબ ફરિયાદીની સર્જરી કરવામાં આવેલ અને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી. જે માટે નો કુલ ખર્ચ રૂા. 5,42,112/- થયેલો. જે પૈકી સામાવાળા વીમા કંપની કેશલેસ ધોરણે રૂા. 1,5૦,૦૦૦/- સીધા હોસ્પિટલને ચૂકવી આપેલા. જેથી ફરિયાદીએ બાકીની ૨કમ રૂા. 3,94,452/- પોતે હોસ્પિટલને ચૂકવેલા અને ત્યારબાદ વીમા કંપની સમક્ષ કલેઇમ કરેલો.પરંતુ વીમા કંપની કલેઈમમાંથી ખોટી અને ગેરરીતે રૂા. 3,૦1,145/- જેવી મોટી રકમ કપાત કરીને રૂા. 93,307/- ફરિયાદીને NEFTથી ચુકવેલા. જેથી ફરિયાદીએ સામાવાળા વિરુધ્ધ સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરાવેલી.

ફરિયાદી તરફે જિલ્લા કમિશન સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઇશાન શ્રેયસ દેસાઇએ દલીલો કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીના ઓપરેશનમાં રોબોટીક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થયેલો અને સામાવાળા વિમા કંપનીએ કાપી લીધેલી રકમ પૈકી રૂા, 1,71,200/- રોબોટીક ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જિસના તેમજ રૂા, 1,23,460/- Reasonable and Customary ચાર્જિસ ન હોવાના કારણોસર કાપી લીધેલા. પરંતુ વાસ્તવમાં, યુરોલોજીકલ સર્જરીમાં રોબોટીક સર્જરીએ મહત્વનો આવિષ્કાર છે. જેને USAમાં FDA દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. દર્દીને મેડીકલ સાયન્સમાં લેટેસ્ટ શોધ અને સાધનોનો ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. વળી ફરિયાદી આખા રોબોર્ટનો નહી પરંતુ તેમાં સર્જરી માટે વપરાયેલા સાધનો (પાર્ટસ)નો જ કલેઈમ કર્યો છે. જે સાધનો સર્જરીનો ભાગ બન્યો છે. જેથી રોબોટીક ઇન્સ્ટ્રુમેન્ટના ચાર્જિસ ચૂકવવા સામાવાળા જવાબદાર છે.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ આર. એલ. ઠકકર અને સભ્ય ડો. પુર્વીબેન જોષીએ આપેલા ચુકાદામાં ફરિયાદીની ફરિયાદ મંજુર કરી વીમા કંપની રોબોટીક ચાર્જિસના રૂા. 1,71,200/- ચૂકવવા જવાબદાર હોવાનું ઠરાવ્યુ હતું તેમજ વીમા કંપનીએ કાપી લીધેલા એનેસ્થેસીયા ચાર્જિસના રૂા, ૫,૬૨૫/- અને Reasonable and Customary ચાર્જિસ કંડીશન હેઠળ કાપી લીધેલા રૂા, 1,23,460/- ચૂકવવા પણ વીમા કંપની જવાબદાર હોવાનું ઠરાવ્યું હતું અને એ રીતે ફરિયાદીને રૂા. 3,૦૦,285/- ફરિયાદની તારીખથી વાર્ષિક 9% ના વ્યાજ સહિત તેમજ વળતર/ખર્ચ માટે બીજા રૂા. 5,૦૦૦/- સહિત ચુકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

error: Content is protected !!