એક જમાનો હતો જયારે ભારત દેશને સોનાની ચિડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. ઇસ્લામી આક્રમણકારીઓથી માંડીને અંગ્રેજોએ ભારતને લૂંટવામાં કોઇ કસર નહોતી છોડી. સદીઓ સુધી ભારતને લૂંટવા પછી પણ બિહારમાં એક જગ્યા હતી,જેની પર ન તો મોગલોની નજર પડી કે ન તો અંગ્રેજોની. આ એ જગ્યા છે જયાં વર્ષોથી દેશનો સૌથી મોટો સુવર્ણ ભંડાર છુપાયેલો છે. બધાની નજરથી દુર, જમીનની ખાસ્સું અંદર, જોવાનું તો દુર ત્યાં પહોંચવાનું પણ મુશ્કેલ છે.
બિહારના જમુઇ જિલ્લામાં આવેલા સોનો વિસ્તારમાં ગોલ્ડની ખાણમાં જેટલું સોનું પડ્યું છે એટલું દેશમાં કયાંય નથી. ભાજપના નેતા સંજય જયસ્વાલે 2021ના શિયાળુ સત્રમાં આ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માંગી હતી. તેમણે સવાલ પુછ્યો હતો કે શું ખરેખર દેશનો સૌથી મોટો સુવર્ણ ભંડાર બિહારમાં છે?. જેના જવાબમાં ત્યારના માઇન્સ એન્ડ કોલ મિનિસ્ટર પ્રહલાદ જોશીએ આ વાતની પૃષ્ટી કરી હતી કે હા, દેશનો સૌથી મોટો સુવર્ણ ભંડાર બિહારમાં છે.
ત્યારના કેન્દ્રીય ખાણ, કોલસા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લેખિતમાં જવાબ આપતા કહ્યું છે કે દેશમાં કુલ 501.83 ટનનો પ્રાથમિક સોના ખનિજનો ભંડાર છે, જેમાં 654.75 ટન સોનું છે. આ કુલ ભંડારમાંથી 44 ટકા સોનું માત્ર બિહારમાં મળ્યું છે. બિહારના જમુઇ જિલ્લાના સોનો વિસ્તારમાંથી 222.885 મિલિયન ટન સોનાની ધાતુનો ભંડાર મળી આવ્યો છે, જેમાં 37.6 ટન મેટલ OREનો પણ સમાવેશ થાય છે.
દેશના કુલ સુવર્ણ ભંડારમાં એકલા બિહારના જમુઇ જિલ્લાના સોનો કરમાટિયા વિસ્તારમાં મળવાને કારણે અહીંના લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. આ વિસ્તારના ચુરહેત ગામના રહેવાસીઓનું કહેવું છે કે તેઓ બાળપણથી જ એ જોતા આવ્યા છે કે 8 કિલોમીટરના વિસ્તારમાં માટીમાં કોઇ ચમકતી ધાતુ દેખાઇ રહી છે, જે બીજી કોઇ ધાતુ નહી, પણ ગોલ્ડ છે. મહેશ્વરી ગામના લોકોનું કહેવું છે કે 15 વર્ષ પહેલાં સર્વેક્ષણ માટે કોલકાતાથી એક ટીમ પણ અહીં આવી હતી. તે વખતે પણ આ વિસ્તારમાં સુવર્ણ ભંડારને લઇને લગભગ લગભગ પૃષ્ટિ મળી હતી.
જમુઇ જિલ્લાનું કરમટીયા ગામ અનેક વર્ષોથી અપાર સોનાના ભંડારને કારણે ચર્ચામાં રહ્યું છે. અહીંના લોકોનું કહેવું છે કે ઘણાં વર્ષો પહેલાં તો અહીંની માટીમાંથી સોનાના બારીક ટુકડાંઓ મળતા હતા, જેને લોકો પાણીમાં સાફ કરીને તેને ગાળીને સોનું કાઢતા હતા.