ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024થી કે.એલ. રાહુલ અને સંજીવ ગોયનકા વચ્ચેની ખટાસને લઈને ચર્ચા ચાલી રહી છે કે આ વખત મેગા ઓક્શન અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તેને રિટેન કરશે કે નહીં? ગયા વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 10 વિકેટથી મળેલી નિરાશાજનક હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયનકા મેદાન પર સાર્વજનિક રૂપે ગુસ્સે થતા જોવા મળ્યા હતા. આ મુદ્દાએ ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. ત્યારબાદ બંનેના સંબંધમાં ખટાસના સમાચાર પણ આવવા લાગ્યા હતા.
એવામાં એમ કહેવામાં આવી રહ્યું છે કે, IPL 2025 મેગા ઓક્શન અગાઉ લખનૌ પોતાના કેપ્ટનને રીલિઝ કરી શકે છે. તો ઘણા રિપોર્ટ્સ એવા પણ સામે આવી રહ્યા છે કે.એલ. રાહુલની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં વાપસી થઈ શકે છે. આ અટકળો વચ્ચે જ્યારે આ સવાલ સંજીવ ગોયનકાને જ પૂછવામાં આવ્યું તો તેમણે સીધો જવાબ ન આપ્યો. સંજીવ ગોયનકાનું કહેવું છે કે તેઓ તો કે.એલ. રાહુલને પરિવારની જેમ માને છે, પરંતુ તેમણે એ ન બતાવ્યું કે, ભારતના વિકેટકીપરને આગામી 3 સીઝન માટે રિટેન કરવામાં આવશે કે નહીં?
સંજીવ ગોયનકાએ બુધવારે ક્રિકબઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જ્યાં સુધી મારો સવાલ છે, હું તેને પોતાના પરિવારનો હિસ્સો માનું છું. તે પણ એ વાત જાણે છે. તેમણે કહ્યું કે, કે.એલ. રાહુલ સુપર જાયન્ટ્સની શરૂઆતથી જ ત્યાં છે. તેણે 3 વર્ષ સુધી અમને લીડ કર્યા છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને મને એમ કહેવામાં કોઈ ખચકાટ નથી કે તેઓ જીતવા માગતા હતા. કે.એલ. રાહુલ સુપર જાયન્ટ્સ પરિવારનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. જ્યાં સુધી રિટેન્શનનો સવાલ છે, મને ખબર નથી. આ એવી વસ્તુ નથી, જેના પર હું અત્યારે ચર્ચા કરવા જઇ રહ્યો છું. તેને ગોપનીય રાખવી પડશે. તેના પર નિર્ણય કરવા માટે 3 મહિના છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ IPL ફ્રેન્ચાઇઝી માલિકો સાથે વાત કરી છે અને આશા છે કે તે રિટેન્શન પર નીતિ લઈને આવશે. શું LSGનો આ વિષય પર કોઈ વલણ છે? સંજીવ ગોયનકાએ ફ્રેન્ચાઇઝીના વલણને સ્પષ્ટ કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, અમને એ પણ ખબર નથી કે, BCCIની રિટેન્શનની નીતિ શું હશે. BCCIને નીતિની જાહેરાત કરવા દો. પછી અમારી પાસે નિર્ણય લેવા માટે 3 મહિનાનો સમાય હશે. આ પ્રકારની કોઈ વાત પર નિર્ણય લેવો અત્યારે વહેલો ગણાશે.