સતત વિરોધ અને બળવાને કારણે ઉતાવળે રાજીનામું આપીને 5 ઓગસ્ટના રોજ ભારત આવેલા બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી, કારણ કે તેમની પાસે હાલમાં રહેવા માટે કોઈ જગ્યા નથી. તેઓ ભારતમાં વિતાવે છે તે દરેક દિવસ તેમના અને ભારત સરકાર બંને માટે મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રશ્ન હજુ પણ એક જ છે કે શેખ હસીના ભારતમાં કેટલો સમય રહેશે. આ પ્રશ્ન એટલા માટે પણ મહત્વનો થઈ રહ્યો છે, કારણ કે તાજેતરમાં બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દ્વારા તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે.
ખરેખર, શેખ હસીના 5 ઓગસ્ટના રોજ આવ્યા હતા અને તેમને અહીં રોકાયાને 28 દિવસ થઈ ગયા છે. આજની પરિસ્થિતિમાં વિદેશ મંત્રી S. જયશંકરને દરરોજ કોઈ પણ કાર્યક્રમમાં પૂછવામાં આવે છે કે, શેખ હસીના ભારતમાં કેટલો સમય રહેશે. તાજેતરમાં જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે S. જયશંકરે કહ્યું કે, તેઓ તેમના રાજદ્વારી કામમાં વ્યસ્ત છે. આ તેમના તરફથી સ્પષ્ટ સંકેત હતો કે તેઓ હજુ પણ આ મામલે રાહ જોવાની સ્થિતિમાં છે.
તાજેતરમાં, બાંગ્લાદેશ સરકારે 22 ઓગસ્ટે ભૂતપૂર્વ PM હસીના અને તેના પરિવારના સભ્યો સહિત તેની સાથે આવેલા તમામ લોકોના રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધા હતા. હવે મહત્વની વાત એ છે કે, આ નિર્ણય પછી જ શેખ હસીનાના ભારતમાં રહેવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. ભારતની વિઝા પોલિસી આમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે, કારણ કે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે, ભારતીય વિઝા પોલિસી હેઠળ, જો બાંગ્લાદેશી નાગરિક પાસે ભારતીય વિઝા ન હોય તો પણ તે ભારતમાં રહી શકે છે, પરંતુ તે પછી તેને માત્ર 45 દિવસ જ રહેવું પડશે ત્યાર પછી તેણે દેશ છોડી દેવો પડશે.
આ સમાચાર લખાય ત્યાં સુધી હસીનાને ભારત આવ્યાને 28 દિવસ થઈ ગયા છે અને તેમની પાસે માત્ર 17 દિવસ જ બાકી છે. આવી સ્થિતિમાં શેખ હસીના આ 15 દિવસમાં શું નિર્ણય લે છે તે ભારત અને બાંગ્લાદેશના રાજદ્વારી સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સાથે જ એ પણ જોવાનું રહેશે કે, જો શેખ હસીના 45 દિવસ પછી પણ ભારતમાં રહે છે તો ભારત સરકાર તેમના વિશે શું નિર્ણય લે છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે, પૂર્વ PM વિરુદ્ધ 63 હત્યાના કેસ છે, જેના કારણે બાંગ્લાદેશી BNP ચીફ ખાલિદા ઝિયા અને તેમના સમર્થકો હસીનાની બાંગ્લાદેશ પરત ફરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસની સરકારના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને મોટું નિવેદન આપ્યું હતું.
વિદેશી બાબતોનું ધ્યાન રાખતા મોહમ્મદ તૌહીદે કહ્યું હતું કે, જો વિભાગ કાયદાકીય પ્રક્રિયા અનુસાર શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મોકલશે તો તેના પર વિચાર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ભારત તરફથી આવી માંગ કરવામાં આવે છે તો તે ભારત સરકાર માટે શરમજનક સ્થિતિ બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત સરકાર પણ આ તમામ બાબતોથી વાકેફ હશે.
આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે, શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને બાંગ્લાદેશ સત્તાવાર રીતે ભારત પાસે કોઈ માંગ કરે છે કે નહીં. એ પણ મહત્વનું રહેશે કે, આ પગલા પહેલા શેખ હસીના કે ભારત સરકાર તેમના ભારતમાં રહેવા અંગે કોઈ નિર્ણય લે છે કે નહીં.