દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. વર્ષ 2013થી જેલવાસ ભોગલી રહેલા આસારામે જજને વિનંતી કરી કે, પ્લીઝ, મારી સજા માફ કરી દો. આ પહેલાથી જ આ કેસમાં લાંબા સમયથી જેલમાં છું.ન્યાયાધીશે સુનાવણી પુરી થયા પછી કહ્યું કે, અરજી પર વિચાર કરવા માટે કોઇ અસાધારણ આધાર નથી. તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. વર્ષ 2023માં ગાંધીનગરની એક કોર્ટે આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ઇલેશ વોરા અને ન્યાયાધીશ વિમલ વ્યાસની બેંચે સજાને સ્થગિત કરતી વખતે અને તેને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે પોતાના ચુકાદામાં કહ્યુ કે,અહીં રાહતનો કોઈ સવાલ પેદા થતો નથી.
જાન્યુઆરી 2023માં સેશન જજે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કર્યો હતો. આ કેસમાં આરોપ છે કે ઘટના સમયે આસારામે ગાંધીનગર સ્થિત પોતાના આશ્રમમાં એક મહિલા પર દુષ્કર્મ કર્યું હતું મહિલાની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધીને આ કાર્યવાહી કરી છે.
આસારામ અત્યારે જોધપુરના એક અન્ય દુષ્કર્મ કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.હાઈકોર્ટે કહ્યું કે આસારામની અપીલના નિકાલમાં સંભવિત વિલંબ અંગેની દલીલો, તેમની ઉંમર અને તબીબી સ્થિતિ રાહત આપવા માટે સુસંગત નથી. કોર્ટે સાબરમતી આશ્રમમાં બે છોકરાઓની કથિત હત્યા અને સાક્ષીઓ અને પીડિતોના સંબંધીઓ પર હુમલા સહિતની અગાઉની ઘટનાઓને પણ ધ્યાનમાં લીધી હતી.
જોધપુરમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આસારામ સામે સૌથી પહેલા પગલાં લેવાયા. જોધપુર પોલીસે આ કેસમાં જ્યારે FIR નોંધી નહોતી ત્યારે સગીરાના પિતાએ દિલ્હીમાં કેસ નોંધાવ્યો હતો. દિલ્હી પોલીસે ઝીરો FIR નોંધીને જોધપુર પોલીસને કેસ મોકલી દીધો હતો, એ પછી આસારામ સતત ફસાતો રહ્યો અને જેલમાં સજા ભોગવી રહ્યો છે.
તાજેતરમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને સારવાર માટે 7 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. આસારામે સતત છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટે 13 ઓગસ્ટને દિવસે 7 દિવસના પેરોલ આપ્યા હતા. એ પછી આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર ગયો હતો. ફલાઇટમાં ગયેલા આસારામની સાથે પોલીસનો કાફલો અને 2 એટેન્ડન્ટને પણ મોકલાયા હતા. સારવાર લઇને આસારામ ફરી જેલમાં હાજર થઇ ગયો હતો.