કર્ણાટક હાઈકોર્ટે ઘરેલું વિવાદમાં પતિ પાસેથી ભરણપોષણની માંગ કરતી પત્નીના કેસ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કંઈક આ પ્રમાણે હૃદયસ્પર્શી ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશને ખબર પડી કે, એક વ્યક્તિ જે દર મહિને માત્ર 12,000 રૂપિયાનો પગાર મેળવી રહ્યો છે, તે તેના બાળક માટે દર મહિને 10,000 રૂપિયા ચૂકવી રહ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મૂળ કર્ણાટક હાઈકોર્ટની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ચેનલ કર્ણાટક હાઈકોર્ટ અને રાજ્યના સમગ્ર ન્યાયતંત્રમાં થતી કોર્ટ હોલની કાર્યવાહી અને અન્ય ઘટનાઓનું લાઈવ સ્ટ્રીમિંગ કરે છે.
એક માણસની કમાણી અને બાળ સંભાળ ખર્ચ અંગે ન્યાયાધીશની ટિપ્પણીએ સોશિયલ મીડિયા સાઇટ X પર નવી ચર્ચાને વેગ આપ્યો. વીડિયોમાં જજને એમ કહેતા જોઈ અને સાંભળવામાં આવી શકે છે કે, ‘સૌથી પહેલા તો એ સમજો કે કેવી રીતે કોઈ વ્યક્તિને તેના 12,000 રૂપિયાના પગારમાંથી ભરણપોષણ માટે 10,000 રૂપિયા આપવાનું કહેવામાં આવે છે. તેનું પોતાનું જીવન છે. તેના જીવવા માટે માત્ર 2000 રૂપિયા બહુ ઓછા છે, તેથી બાળકના નામે દર મહિને 10,000 રૂપિયા આપવાનો આદેશ સમજની બહાર છે. તો આનો પુરાવો ક્યાં છે? જેથી આ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી શકે કે તમે રૂ. 10,000 ભરણપોષણ લેવા માટે હકદાર છો. ખર્ચની કોઈ મર્યાદા નથી, તેમ છતાં કોર્ટ આ કેસને સારી રીતે સમજી શકે છે. પણ એનું શું… જે વ્યક્તિએ આટલી રકમ ચૂકવવાની છે, તે આટલા ઓછા પૈસામાં કેવી રીતે જીવશે?
ટ્રાયલ કાર્યવાહીની શરૂઆતમાં ભરણપોષણ લેનાર પત્નીના વકીલે ન્યાયાધીશને કહ્યું કે, ભરણપોષણની માંગણી સાથે આ અરજી દાખલ કરવામાં આવી છે. આ પછી જજ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રકમ વિશે પૂછે છે. જેના પર વકીલનું કહેવું છે કે, પત્નીને કંઈ આપવામાં આવતું નથી, પરંતુ પુત્ર માટે દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવે તે મંજૂરી આપવામાં આવી છે. આ પછી જજ કેસની બાકી વિગતો વિશે પૂછે છે.
અચાનક જજે મહિલાના પતિની આવક અંગે પ્રશ્ન પૂછ્યો અને પત્નીના વકીલે જવાબ આપ્યો, રૂ. 62,000 છે. આ પછી, પતિના વકીલે સ્પષ્ટતા કરી કે, તેમના અસીલની CTC દર મહિને રૂ. 18,000 છે અને ટેક અવે સેલરી રૂ. 12,000 છે. આ પછી જજે તેમની ટિપ્પણીમાં કહ્યું, ‘તે કેવી રીતે જીવશે?’ તેમણે એમ પણ કહ્યું કે, જો પતિનો પગાર વધી ગયો હોય તો પત્ની બાળકના ભરણપોષણમાં વધારા માટે અલગથી અરજી કરી શકે છે.
શૉની કપૂર નામના યુઝરે શેર કરેલા આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો પોતપોતાની સમજણ મુજબ અભિપ્રાય આપી રહ્યા છે.