બોલિવૂડ અભિનેત્રી રિમી સેન હાલમાં તેની લક્ઝરી SUVને લઈને વિવિધ સમસ્યાઓથી પરેશાન છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રીએ કાર મેન્યુફેક્ચરિંગ કંપની લેન્ડ રોવર સામે 50 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, રિમી સેને વર્ષ 2020માં 92 લાખ રૂપિયામાં લેન્ડ રોવર લક્ઝરી SUV ખરીદી હતી. હવે આ SUVના સનરૂફ, સાઉન્ડ સિસ્ટમ, સ્ક્રીન અને રિયર એન્ડ કેમેરામાં ઘણી ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે, જેના કારણે અભિનેત્રીએ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં લેન્ડ રોવર પર કાર સંબંધિત રિપેરિંગને લઈને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે આ કાર સતીશ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદી હતી, જે જગુઆર લેન્ડ રોવરના અધિકૃત ડીલર છે. જો કે, જ્યારે તેણે આ SUV ખરીદી, ત્યારે ત્યાં COVID-19 રોગચાળાને કારણે લોકડાઉન હતું. જેના કારણે તેણે કારનો વધુ ઉપયોગ કર્યો ન હતો. હવે જ્યારે તે તેનો ઉપયોગ કરી રહી છે, ત્યારે કારમાં તે ઘણી તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે, 25 ઓગસ્ટ, 2022ના રોજ પાછળના કેમેરાની ખામીને કારણે કાર એક થાંભલા સાથે અથડાઈ હતી. તેણે આ અંગે કર ડીલરને જાણ પણ કરી હતી. ત્યાર પછી તેની પાસેથી પુરાવા માંગવામાં આવ્યા હતા. અભિનેત્રી કહે છે કે આ પછી કારમાં સમસ્યાઓ શરૂ થઈ. એક પછી એક અનેક ટેકનિકલ ખામીઓ પ્રકાશમાં આવવા લાગી.
સેન દ્વારા દાખલ કરવામાં આવેલી કાનૂની નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે, કારના ઉત્પાદન અને અધિકૃત ડીલર દ્વારા તેની અનુગામી સેવા અને જાળવણી બંનેમાં ખામીઓ છે. અભિનેત્રીનું કહેવું છે કે કારને દસથી વધુ વખત રિપેરિંગ માટે મોકલવામાં આવી છે, તેમ છતાં સ્થિતિ એવી જ છે. જેના કારણે તેઓ માનસિક ત્રાસ અને ઘણી અસુવિધાનો સામનો કરી રહ્યા છે. અભિનેત્રીએ માનસિક ઉત્પીડન માટે 50 કરોડ રૂપિયાના વળતરની સાથે કાયદાકીય ખર્ચ માટે 10 લાખ રૂપિયાની વધારાની રકમની માંગ કરી છે. તેણે ખરાબ થઇ ગયેલી કારના બદલામાં પૈસાની પણ માંગણી કરી છે.
જો કે લેન્ડ રોવર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.