fbpx

‘કંપનીઓ ડીઝલ કાર બનાવવાનું બંધ કરે, વેચવું મુશ્કેલ થઈ જશે’, ગડકરીએ ચેતવણી આપી

Spread the love

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી હતી.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી ઈંધણનું પ્રદૂષણ અને તેની આયાત ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો તેઓ આ વાહનો પર એટલો ટેક્સ લગાવશે કે તેને વેચવું મુશ્કેલ થઈ જશે. આપણે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટેના નવા માર્ગ પર ચાલવું પડશે. હું નાણામંત્રી પાસે ડીઝલ વાહનો પર 10 ટકા વધારાના GSTની માંગ કરીશ.’

ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓ ડીઝલ વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે ઓટોમોબાઈલ કંપનીઓને પ્રોત્સાહિત કરવા ડીઝલ વાહનો પર 10 ટકા વધારાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની દરખાસ્ત કરી રહ્યા છે. જેથી ડીઝલ વાહનોનું ઉત્પાદન ઘટાડી શકાય અને તેના કારણે થતા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને આ અંગે પોતાની રીતે વિચારવા કહ્યું છે.

નીતિન ગડકરીએ કહ્યું કે, ‘ઓટો ઉદ્યોગે ડીઝલ વાહનોથી થતા પ્રદૂષણને ધ્યાનમાં લઈને આપમેળે આગળ વધવું જોઈએ. નહિંતર, સરકાર પાસે આવી પરિસ્થિતિઓ બનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં, જેના કારણે તેઓ પોતે જ આમ કરવા મજબૂર થશે. તેમણે કહ્યું, ‘શક્ય તેટલી વહેલી તકે, ઓટો ઉદ્યોગે ડીઝલ એન્જિન વાહનો બનાવવાનું બંધ કરવું જોઈએ અને તેઓએ આ માટે જાતે જ નિર્ણય લઇ લેવો જોઈએ, અન્યથા અમારી પાસે ટેક્સ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.’

પોતાની કારનો ઉલ્લેખ કરતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘મારી કાર ઇથેનોલ પર ચાલે છે. જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો તો તેની કિંમત 25 રૂપિયા પ્રતિ Km છે, જ્યારે ઇથેનોલની કિંમત તેનાથી પણ ઓછી છે. એક લિટર ઇથેનોલની કિંમત 60 રૂપિયા છે, જ્યારે પેટ્રોલનો દર 120 રૂપિયાથી ઉપર છે.’ નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, ‘આજના સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને બસ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.’

error: Content is protected !!