ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ત્રણ વર્ષના બાળકને વેચવાનો મામલો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, બાળકના પિતાએ કથિત રીતે મજબૂરીમાં બાળકને વેચી દીધું હતું, કારણ કે તેની પાસે તેની પત્ની અને નવજાત બાળકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવવા માટે પૈસા ન હતા. આરોપ છે કે, હોસ્પિટલના કેટલાક લોકોએ તેને આવું કરવા મજબુર કર્યો હતો. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વ્યક્તિની ઓળખ બરવા પટ્ટીના રહેવાસી હરીશ પટેલ તરીકે થઈ છે. તે રોજીરોટી કમાવવા માટે રોજમદાર મજૂર તરીકે કામ કરે છે. અહેવાલ છે કે, હરીશે તેની પત્નીને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હરીશનું આ છઠ્ઠું બાળક છે.
ચાર હજાર રૂપિયાનું બિલ ભરવા માટે હરીશ પાસે પૈસા ન હતા. જેના કારણે હોસ્પિટલ સ્ટાફે તેની પત્ની અને બાળકને રજા આપવાની ના પાડી દીધી હતી. આ પછી, 6 સપ્ટેમ્બરના રોજ, હરીશે કથિત રીતે મજબૂરીમાં તેના ત્રણ વર્ષના પુત્રને નકલી દત્તક દસ્તાવેજ હેઠળ 20,000 રૂપિયામાં વેચી દીધો. આ ઘટના સાથે જોડાયેલ હરીશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનાની માહિતી મળતાં જ માતા રડવા લાગી હતી. અહીં તમને જણાવી દઈએ કે, ગરીબ પિતા મજૂરી કરે છે અને પોતાની પત્ની અને 6 બાળકોનું ભરણપોષણ કરે છે. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આની પુષ્ટિ કરવા માટે, DMએ પોલીસને તપાસ કરવાનું કહ્યું છે.
પોલીસ અધિક્ષક સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, 7 સપ્ટેમ્બરે પોલીસે આ ઘટનામાં સામેલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમાં કથિત વચેટિયા અમરેશ યાદવ, બાળકો ખરીદનાર દંપતી ભોલા યાદવ અને તેની પત્ની કલાવતી, એક નકલી ડૉક્ટર, તારા કુશવાહા અને હોસ્પિટલ સહાયક સુગંતિનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક પોલીસ કોન્સ્ટેબલ પર આ કેસમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ છે. તેને એક્ટિવ ડ્યુટીમાંથી હટાવીને પોલીસ લાઈનમાં મોકલી દેવાયો હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટ અનુસાર, પોલીસે બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું છે અને તેને તેના માતાપિતાને પરત કરી દીધું છે.