ભજન ગાયક કન્હૈયા મિત્તલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કન્હૈયા મિત્તલ એ જ ગાયક છે જેણે 2022ની UP વિધાનસભા ચૂંટણી પહેલા ‘જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે’ ગીત ગાયું હતું. કન્હૈયાએ રામ મંદિરને લઈને PM મોદી અને UPના CM યોગીના વખાણ કર્યા હતા. હવે એ જ કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાવા માંગે છે. તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઇરાદો ધરાવે છે.
કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જોડાવા અંગે ફેસબુક પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘આજે સવારે મને એક મિત્રનો ફોન આવ્યો. મેં તેમને કહ્યું કે કદાચ હું કોંગ્રેસમાં જોડાઈ શકું, કારણ કે મને લાગે છે કે માત્ર એક જ પક્ષ ન હોવો જોઈએ જે સનાતન વિશે વાત કરે. દરેક પક્ષે સનાતન વિશે વાત કરવી જોઈએ. તેથી જ હું કોંગ્રેસમાં જોડાવા માગતા હતા અને BJP સાથે અમારો એવો કોઈ મતભેદ કે મનભેદ નથી.’
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કન્હૈયા મિત્તલ હરિયાણાની પંચકુલા સીટથી BJPની ટિકિટ માંગી રહ્યા હતા અને ટિકિટ ન મળતાં તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો. જોકે, કન્હૈયાએ પોતે આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું, ‘કેટલાક લોકો કહી રહ્યા છે કે મને પંચકૂલામાંથી ટિકિટ નથી મળી… તેથી જ હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. એવું કંઈ નથી. જો મારે ટિકિટ જોઈતી હોત તો મેં કેટલાક લોકો સાથે વાત કરી હોત અને મને મળી હોત…, ટિકિટ લાવવી મારા માટે કોઈ મોટી વાત નથી, પરંતુ મારો મત છે કે હું બધાનો મિત્ર છું… મેં ક્યારેય એવું નથી કહ્યું કે, BJPને મત આપો, જેઓ રામ મંદિર માટે કામ કરે છે, સનાતન માટે કામ કરે છે…તેમને ટેકો આપો.’
અહીં તમને જણાવી દઈએ કે, કન્હૈયા મિત્તલે ‘જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે’ ગીતમાં CM યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. ગયા વર્ષે કન્હૈયા મિત્તલે ‘મેં UP બોલ રહા હૂં’ ગીત ગાયું હતું, જેમાં યોગી સરકારના કામોની પ્રશંસા કરવામાં આવી હતી. કન્હૈયા મિત્તલે UPના CM યોગી આદિત્યનાથને પોતાના ગુરુ ગણાવ્યા છે.
કન્હૈયાએ કહ્યું, ‘હું મૂળ રીતે ક્યારેય BJPમાં હતો જ નહીં. હા, મને ઉપરથી બોલાવવામાં આવતો હતો કે, અમારે ત્યાં આવો અને ‘જો રામ કો લાયા હૈ’ ગીત ગાઓ. તે ભજનમાં પણ BJPનું ક્યાંય નામ નથી. મહારાજ જી એમાં અમારા ગુરુ છે… CM યોગી આદિત્યનાથ જી. તે હંમેશા અમારા ગુરુ રહેશે.’
કન્હૈયા મિત્તલ અંગે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું, ‘મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. હું કન્હૈયા મિત્તલ જીને જોઈ રહ્યો હતો. તેઓ કોંગ્રેસમાં જોડાવા માંગે છે. તેમણે કહ્યું કે ‘જો રામ કો લાયા હૈ, હમ ઉનકો લાયેંગે’. તમે કલ્પના કરી શકો છો કે, જેની લાગણીઓ છે…, તેઓ BJPથી કેટલા નિરાશ અને ભ્રમિત થઇ રહ્યા છે, BJPથી મોહ ભંગ થઇ રહ્યો છે, તે બધાનો જે BJP સાથે જોડાયેલા હતા. રામ મંદિરનું ગીત લખનારા ગીતકાર… જો તમને છોડી દે છે, તો હવે BJP તમારે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે…, વિચારો…, ખતમ થઇ રહ્યા છો તમે.’
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ અને BJPના નેતા જ્ઞાનચંદ ગુપ્તાએ કહ્યું, ‘કન્હૈયા મિત્તલ ક્યારેય BJPના પ્રચારક રહ્યા નથી. તેમણે સનાતનનો પ્રચાર કર્યો છે. આજે પણ તે સનાતનની સાથે છે.’
અહીં તમને જણાવી દઈએ કે, હરિયાણાની 90 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી 8 ઓક્ટોબરે થશે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં રાજીનામા અને નવા લોકો જોડાવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે.