કુશ્તીના કદાવર પહેલવાન તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલી વિનેશ ફોગાટ હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ હતી. તેણે હરિયાણા વિધાનસભા ચૂંટણી અગાઉ આ નિર્ણય લીધો હતો, પરંતુ તેમના મોટા પપ્પા અને કુશ્તીના ગુરુ મહાવીર ફોગાટને તેમનો આ નિર્ણય પસંદ આવ્યો નથી. મહાવીર ફોગાટનું કહેવું છે કે હું વિનેશના રાજકારણમાં આવવાની વિરુદ્ધ છું. હું ઈચ્છું છું કે તેણે વધુ એક ઓલિમ્પિક રમવી જોઈએ. તેમણે કહ્યું કે, મારા વિચાર હતા કે તે (વિનેશ) 2028ની ઓલિમ્પિકની તૈયારી કરે અને તેમાં લડે.
મહાવીર ફોગાટે કહ્યું કે, તેણે વધુ એક ઓલિમ્પિક રમવી જોઇતી હતી, જે ગોલ્ડ મેડલની તેની જિદ્દ હતી, તેને પૂરી કરવી હતી. આંદોલન કોઇ રાજકારણથી પ્રેરિત નહોતું. ખેલાડીઓએ ત્યારે રાજકારણમાં આવવું જોઈએ, જ્યારે તેમની આશા છૂટી જાય. વિનેશ વધુ એક ઓલિમ્પિક લડી શકતી હતી. તેણે પહેલા ઓલિમ્પિક લડવી જોઈતી હતી, પછી રાજકારણમાં આવવું જોઈતું હતું.
ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ગયા અઠવાડિયે કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ અગાઉ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસના મહાસચિવ પ્રભારી સંગઠન કેસી વેણુગોપાલ, AICC મહાસચિવ પ્રભારી હરિયાણા દીપક બાબરિયા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાની ઉપસ્થિતિમાં AICC મુખ્યાલયમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા.
વિનેશ ફોગાટ હરિયાણાના જુલાના વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહી છે. ત્યારબાદ વિનેશે પોતાના પતિના પૈતૃક ગામ બક્તા ખેડાથી જુલાના વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો. આ દરમિયાન વિનેશે રોડ શૉ પણ કર્યો હતો. પાર્ટીમાં સામેલ થયા બાદ વિનેશ ફોગાટે કહ્યું કે, ભાજપ વૃજભૂષણ શરણ સિંહનું સમર્થન કરી રહી હતી, જ્યારે આ દરમિયાન કોંગ્રેસે પહેલવાનોનું સમર્થન કર્યું. હું દેશના લોકો અને મીડિયાનો આભાર માનું છું. તમે મારી રેસલિંગ જર્ની દરમિયાન મારો સાથ આપ્યો.
તેણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું, મુશ્કેલ સમય તમને બતાવે છે કે તમારી સાથે કોણ છે. જ્યારે અમને રસ્તાઓ પર ધસડ્યા, તો ભાજપને છોડીને બધી પાર્ટી અમારી સાથે ઊભી હતી. હું એક નવી ઇનિંગ શરૂ કરી રહી છું, હું ઈચ્છું છું કે ખેલાડીઓને એ બધુ સહેવું ન પડે, જેમાંથી અમને પસાર થવું પડ્યું. તેમણે કહ્યું કે, અમે નહીં ડરીએ અને પાછળ નહીં હટીએ. અમારો કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અમે તેમાં પણ જીતીશું.