fbpx

રાજકોટમાં એવું શું થયું કે 10 તારીખે આખા ભારતમાં લસણની લે-વેચ નહીં થાય

Spread the love

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 7 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતું. જેના વિરોધમાં હવે દેશભરમાં વેપારીઓએ આવતીકાલે (10સપ્ટેમ્બર 2024ના રોજ) લસણનું કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. જેના સમર્થનમાં રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે લસણનો વેપાર કરવામાં આવશે નહીં. કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, આવતીકાલે કોઇ ખેડૂતે યાર્ડમાં લસણ લઇને આવવું નહીં.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે દેશભરમાં લસણના વેપારીઓ લસણના વેપારથી દૂર રહેવાના છે. જેના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ પણ આવતીકાલે લસણનો વેપાર નહીં કરે. રાજકોટ જ નહીં, પરંતુ આવતીકાલે આખા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે. હાલમાં ચીનથી વાયા અફઘાનિસ્તાન થઇ ભારતમાં લસણ ઘૂસાડવામાં આવે છે. આ લસણ ખાવાલાયક હોતું નથી અને વાયરસવાળું હોય છે. ચીનમાંથી સસ્તી કિંમતે લસણ ખરીદીને મોંઘા ભાવે ભારતમાં વેચીને સામાન્ય જનમાનસ સુધી પહોંચાડવા માટેનું આ આખું ષડ્યંત્ર છે. તેના વિરોધમાં નિર્ણય લઇને આવતીકાલે તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણનું કામકાજ બંધ રાખવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, રાજકોટ યાર્ડમાં આવતીકાલે કોઇ ખેડૂત લસણ ન લાવે તેવી અપીલ કરવામાં આવી છે. જો આ લસણ ભારતમાં આવશે તો દેશના ખેડૂતોને પણ મોટું નુકસાન થઇ શકે છે. આપણા દેશના જે ખેડૂતો લસણનું ઉત્પાદન કરે છે તેમને પોષણક્ષમ ભાવ મળી શકતા નથી. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં જિલ્લાના આસપાસના તાલુકામાંથી લોકલ લસણ આવે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં લસણનું વાવેતર અને ઉત્પાદન થતું હોય છે.

અતુલ કમાણીએ વધુમાં જણાવ્યું કે, હાલ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં રોજ 2 હજારથી 2500 મણ લસણની આવક થાય છે અને અત્યારે લસણના એક મણનો ભાવ 4500થી 5200 રૂપિયા મળે છે. દિવાળી આસપાસ લસણની મુખ્ય સિઝન હોય છે. આ દરમિયાન રાજકોટ યાર્ડમાં 2000થી 2500 ગુણ લસણની આવક થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, વેપારીઓનું માનવું છે કે યાર્ડની અંદર ચીનનું લસણ આવ્યું છે. અહીંના વેપારીઓને અનુભવ છે અને વેપારીઓ લસણને હીરા કરતા વધું પારખે છે.

વેપારીઓએ મને રજૂઆત કરી જણાવ્યું કે, કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય. કારણ કે, ભારતની અંદર ચીનના લસણ પર પ્રતિબંધ છે. આ વાતનો રાષ્ટ્રીય લેવલે યોગ્ય નિર્ણય થવો જોઇએ. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. અમે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રજૂઆત કરીશું. ભારતની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એ બંધ કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, આ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂતોને નુકસાન થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે, તેના માટે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કડક રજૂઆત કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે કેમ કે, આ માગણી પોતાના માટે નથી, રાજ્યના ખેડૂતો માટે છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી વચન આપવામાં આવ્યું છે. આ ચીનનું લસણ વાયા ઉપલેટાથી આવ્યું હોવાથી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તપાસના બાદ જે કોઇ ગુનેગાર હશે, તે અંગે અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું.

ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં ચીનના લસણની આવકને લઇને ગોંડલ યાર્ડમાં સ્થાનિક પોલીસ, LCB, SOG સહિતની બ્રાન્ચો યાર્ડની ઓફિસે આવી પહોંચી હતી અને યાર્ડના વેપારીની પૂછપરછ કરવામાં આવી હતી. ગોંડલ યાર્ડમાં ઉપલેટાના અલ્તાફભાઇ નામના વેપારીને ખેડૂતે લસણ આપ્યું હતું. હાલમાં ઉપલેટાના અલ્તાફ નામના વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!