કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના શીખોને લગતા નિવેદન પર BJP ગુસ્સે છે. મંગળવારે અમેરિકાના વર્જીનિયામાં બોલતા રાહુલે ભારતમાં શીખોની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, ‘લડાઈ એ વાત ને લઈને છે કે, શું ભારતમાં શીખને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ… શું ભારતમાં શીખને કડુ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે, અથવ તો તે ગુરુદ્વારામાં જઈ શકશે… લડાઈ આ વાત ને લઈને જ છે, અને તે માત્ર શીખો માટે જ નથી, તે બધા ધર્મો માટે છે…’ BJPના રાષ્ટ્રીય પ્રવક્તા RP સિંહે રાહુલને ભારતમાં આ જ વાત બોલીને બતાવવાનો પડકાર આપ્યો છે.
મીડિયા સૂત્રો સાથે વાત કરતા RP સિંહે કહ્યું, ‘…દિલ્હીમાં 3000 શીખોની હત્યા કરવામાં આવી, તેમની પાઘડીઓ ઉતારી દેવામાં આવી, તેમના વાળ કાપી નાખ્યા અને દાઢી કાપી નાંખવામાં આવી… તેઓ (રાહુલ ગાંધી) એવું નથી કહેતા કે, આ બધું ત્યારે થયું જ્યારે તેઓ ( કોંગ્રેસ) સત્તામાં હતા… હું રાહુલ ગાંધીને પડકાર ફેંકું છું કે, તેઓ શીખો વિશે જે કહે છે તે ભારતમાં ફરી વખત બોલીને બતાવે. હું તેમની સામે કેસ કરીશ… હું તેમને કોર્ટમાં લઈ જઈશ.’
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, ‘કોંગ્રેસે આઝાદી બાદથી તુષ્ટિકરણની રાજનીતિ કરી છે અને શીખોની હત્યા કરી છે અને તેઓ આજે આ પ્રકારની વાતો કહી રહ્યા છે. મારે ત્યાં એક કહેવત છે કે, જેઓ વધુ અજ્ઞાની હોય છે તેઓ પોતે જ્ઞાની છે એવું બતાવવા માટે પ્રદર્શન કરે છે, એવું જ રાહુલ ગાંધી કરી રહ્યા છે…, જે ત્રીજી વખત ચૂંટણીમાં 99 સીટોને પાર ન કરી શક્યો, તેઓ 300 સીટોની વાતો કરતા હતા, તો તેઓ ક્યાં ગયા? હવે? તેમના પ્રશ્નોના જવાબ આપવાનો અર્થ એ છે કે, પોતાને ‘બેલ્ટની નીચે’ લઇ જવું એ પ્રકારનું છે.’
અમેરિકામાં રાહુલે આપેલા ફક્ત તે જ નિવેદન સામે BJPને કોઈ વાંધો નથી. રાહુલના નિવેદનો પર કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘વિરોધ કરતી વખતે તેમણે (રાહુલ ગાંધી) દેશનો જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે, દેશની બહાર કોંગ્રેસ અને BJP નથી હોતું, દેશની બહાર ફક્ત ભારત હોય છે. રાહુલ ગાંધી સતત દેશની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દેશની ઈમેજને કલંકિત કરવી દેશદ્રોહ હેઠળ આવે છે.’
શિવરાજે કહ્યું, ‘રાહુલ જી વિપક્ષના નેતા છે, વિપક્ષના નેતાનું પદ જવાબદારીનું પદ છે. હું તેમને યાદ કરાવવા માંગુ છું કે, જ્યારે અટલ બિહારીજી વિપક્ષના નેતા હતા ત્યારે અટલજી ઘણી બાબતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. દેશની બહારના વિપક્ષી નેતાઓએ ક્યારેય દેશની છબી ખરડવાનો પ્રયાસ કર્યો નથી.’
BJP નેતા જગદંબિકા પાલે કહ્યું, ‘રાહુલ દુનિયાના બેજવાબદાર નેતા હશે, જે દુનિયાભરમાં જઈને ભારતની ટીકા કરે છે…, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે અર્થવ્યવસ્થા પાંચમા સ્થાને આવી ગઈ છે… ભારતની બહાર જઈને આ ભારતનું અપમાન કરીને દેશને શરમમાં નાખે છે.’
રાહુલે વોશિંગ્ટન DCમાં એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી. આ સ્ટેન્ડ પર તેમને INDIA બ્લોકમાં કોંગ્રેસના સહયોગી શિવસેના (UBT)નું સમર્થન મળ્યું છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કહ્યું, ‘…રાહુલ ગાંધીએ જે કહ્યું તેમાં ખોટું શું છે? રાહુલ ગાંધી સાચા છે અને BJPએ 10 વર્ષમાં ધર્મ અને જાતિને જ ખુશ કરી છે…’