fbpx

હવે ભારત પર કેમ ગુસ્સે થઈ બાંગ્લાદેશની નવી સરકાર, બોલી-સ્વીકાર નહીં કરીએ

Spread the love

બાંગ્લાદેશની વચગાળાની સરકાર મોટા ભાગે ભારત પર કોઈક ને કોઈક આરોપ લગાવી રહી છે. શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી ખૂબ વધી ગઈ છે, જેને રોકવા માટે મોટા ભાગે સીમા પર ઘર્ષણ જોવા મળી રહ્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે સીમા પર ઘૂસણખોરીની સમસ્યાને નજરઅંદાજ કરતા ફરી એક વખત ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસેને કહ્યું કે, સીમા પર થનારી હત્યાઓ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સારા સંબંધોને પ્રોત્સાહિત કરવામાં બાધા બની છે.

વિદેશ મંત્રાલયમાં પત્રકારોના સવાલના જવાબમાં તૌહિદ હુસેને કહ્યું કે, અમે નિશ્ચિત રૂપે ભારત સાથે સમાનતા પર આધારિત સંબંધ ઈચ્છીએ છીએ. તે દ્વિપક્ષીય હોવા જોઈએ, એકતરફી નહીં. સીમા પર હત્યાઓ બંને દેશો વચ્ચે સારા સંબંધમાં બાધા છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રવિવારે સવારે ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપજિલ્લામાં કાંતિવિતા સીમા પર BSFએ 14 વર્ષીય એક કિશોરની હત્યા કરી દીધી હતી. કિશોર ગેરકાયદેસર રૂપે ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને કથિત રૂપે સીમાની તારવાળી વાડ કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન કથિત રૂપે BSFએ તેને ગોળી મારી દીધી હતી.

બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયના વચગાળાના સલાહકારની ટિપ્પણી કથિત રૂપે BSF દ્વારા બાંગ્લાદેશી કિશોરની હત્યાને લઈને આવી છે. જ્યારે તૌહિદ હુસેનને પત્રકારોએ પૂછ્યું કે, શું વિદેશ મંત્રાલય તેને લઈને ભારત સમક્ષ વિરોધ નોંધાવશે? સલાહકારે કહ્યું હતું કે, મંત્રાલય બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) તરફથી ઘટનાની પુષ્ટિ થયા બાદ જ આગળની કોઈ કાર્યવાહી કરશે. આ અગાઉ 5 સપ્ટેમ્બરે બાંગ્લાદેશે ભારતને સીમા પર થયેલી બધી હત્યાઓની તપાસ કરવા, જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમને જવાબદાર ઠેરવવાનો અનુરોધ કર્યો હતો.

બાંગ્લાદેશના માનવાધિકાર સંગઠન એન.ઓ. સલીશ કેન્દ્રનો આરોપ છે કે વર્ષ 2023માં BSFએ 31 બાંગ્લાદેશીઓને માર્યા હતા, જેમાંથી 28નું મોત ગોળી લાગવાથી થઈ હતી. આ આંકડાઓનો ઉલ્લેખ કરતા તૌહિદ હુસેને કહ્યું કે, એવી હત્યાઓ ત્યારે પણ થઈ જ્યારે ભારત-બાંગ્લાદેશના સંબંધને સ્વર્ણિમ અધ્યાય બતાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. તેને સ્વીકાર નહીં કરી શકાય. તેમણે એ વાત પર ભાર આપ્યો કે, બંને દેશ વચ્ચે સારા સંબંધ માત્ર સરકારથી સરકારના સંબંધો સુધી સીમિત નથી, પરંતુ બંને દેશો માટે એક-બીજા દેશના લોકો શું વિચારે છે, એ તેના પર પણ નિર્ભર કરે છે.

તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે સંબંધ સીમા પર થઈ રહેલી હત્યાઓથી પ્રભાવિત છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે  BSFએ સીમા સુરક્ષા બળ BGB પાસે માગ કરી હતી કે તે પોતાના દેશના લોકોને ગેરકાયદેસર રૂપે ભારત આવતા રોકે. BSFએ કહ્યું હતું કે, સીમા પર રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તે સીમાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. BSFની આ માગ છતા બાંગ્લાદેશથી ઘૂસણખોરી ચાલી રહી છે, જેને રોકવા માટે BSF જરૂરી પગલાં ઉઠાવી રહી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!