અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે ફરી એક વખત અદાણી ગ્રુપ પર પ્રહાર કરતા મોટોદાવો કર્યો છે. હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, સ્વિસ અધિકારીઓએ મની લોન્ડ્રિંગ અને છેતરપિંડીની તપાસ હેઠળ અદાણી ગ્રુપના ઘણા સ્વિસ બેન્ક ખાતાઓમાં જમા 31 કરોડ ડૉલરથી વધુની રકમ ફ્રીઝ કરી દીધી છે. આ તપાસ વર્ષ 2021થી ચાલી રહી છે.
હિંડનબર્ગે એક સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીના સંદર્ભે જણાવ્યું કે, કયા પ્રકારે અદાણીને રિપ્રેઝન્ટ કરનાર એક સહયોગીએ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ/મોરિશિયસ અને બર્મૂડાના શંકાસ્પદ ફંડોમાં રોકાણ કર્યું. આ ફંડ્સના મોટા ભાગના પૈસા અદાણીના શેરોમાં લાગ્યા હતા. આ 6 સ્વિસ બેંકમાં 31 કરોડ ડોલરથી વધુની રકમ હતી, જે હવે ફ્રીઝ કરી દેવામાં આવી છે. સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડથી તેની જાણકારી મળી છે.
અદાણી ગ્રુપની પ્રતિક્રિયા:
હિંડનબર્ગના આરોપોને અદાણી ગ્રુપે ખોટા બતાવ્યા છે. ગ્રુપ તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, આ બધુ તેની માર્કેટ વેલ્યૂ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપે નિવેદન જાહેર કરીને કહ્યું કે, અદાણી ગ્રુપનો કોઈ પણ સ્વિસ અદાલતી કાર્યવાહી સાથે સંબંધ નથી. ન તો અમારી કંપનીનું કોઈ અકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. અમારું ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચર પૂરી રીતે પારદર્શી અને કાયદાને અનુરૂપ છે. અમને એમ કહેવામાં કોઈ સંકોચ નથી કે એ અમારી પ્રતિષ્ઠ અને વેલ્યૂને નુકસાન પહોંચાડવાનું કામ કરનારાઓનો પ્રયાસ છે.
અદાણી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું કે, અમે રજૂ કરવામાં આવેલા આ બધા નિરાધાર આરોપોનું પૂરી રીતે ખંડન કરીએ છીએ. એ સિવાય કથિત આદેશમાં પણ સ્વિસ કોર્ટ તરફથી ન તો અમારા ગ્રુપની કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ન તો અમને એવી કોઈ ઓથોરિટી કે રેગ્યુલેટર તરફથી કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ આપવાનો અનુરોધ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગ રિસર્ચે ગત વર્ષે 24 જાન્યુઆરી 2023ના રોજ અદાણી ગ્રુપને લઈને 106 પેજનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં અદાણી ગ્રુપ પર લોનથી લઈને શેરોની કિંમતમાં હેરાફેરી સહિત તમામ આરોપ લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ પ્રકાશિત થયા બાદ જ્યારે શેર બજાર ખૂલ્યા હતા તો તેમાં લિસ્ટેડ અદાણીની કંપનીઓના શેરોમાં કડાકો બાલી ગયો હતો અને જોત જોતામાં ધરાશાયી થઈ ગયા હતા.
શેરોમાં આવેલી ત્સુનામીના કારણે ન માત્ર અદાણી ગ્રુપની માર્કેટ કેપ તૂટી હતી, ગૌતમ અદાણીના નેટવર્થમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. હિંડનબર્ગના પહેલા રિપોર્ટની અસરના કારણે અદાણીની સંપત્તિમાં 60 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આ વર્ષે શાનદાર વાપસી કરતા અદાણી ગ્રુપના શેરોએ રિકવરી કરી છે, પરંતુ હિંડનબર્ગ રિસર્ચ ક્યારેક SEBI ચીફને લઈને પ્રહાર કરી રહ્યું છે તો અદાણી ગ્રુપ પર પ્રહાર કરી રહ્યું છે. હવે આ નવી પોસ્ટ શેર કરવામાં આવી છે.