હાલમાં જ આસામ પોલીસે 22 વર્ષના યુવકની ધરપકડ કરી છે. બિશાલ ફુકન નામના આ યુવક પર 2200 કરોડ રૂપિયાના શેર કૌભાંડનો આરોપ છે. આ યુવકે ઉંચુ વળતર આપવાના નામે લોકોને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડ અંગે એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના CEO અને MD રાધિકા ગુપ્તાએ રોકાણકારોને સલાહ આપી છે કે, તેઓ રાતોરાત તેમની કિસ્મત બદલાઈ જશે તેવી અપેક્ષા રાખ્યા વિના દાળ-ચોખાના ફંડમાં રોકાણ કરતા રહે. રાધિકા ગુપ્તાએ કહ્યું કે, અમીર બનવા માટે કોઈ શોર્ટકટ નથી હોતો. તેમણે રોકાણકારોને ‘દાળ-ચોખા’ના રોકાણને અનુસરવાની સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એક વિશ્વસનીય પદ્ધતિ છે જે જોખમોથી બચાવે છે.
રાધિકા ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘2200 કરોડ રૂપિયાની છેતરપિંડી હૃદયદ્રાવક છે. આપણને કેટલા રીમાઇન્ડર્સની જરૂર છે કે, ધનવાન બનવાનો કોઈ ઝડપી રસ્તો નથી…અને સામાન્ય રીતે જો આવા પ્રકારના માર્ગ માટે ફેન્સી કાર સાથે જાહેરાત કરવામાં આવે તો તે જીવલેણ અકસ્માતો તરફ દોરી જાય છે. સુરક્ષિત રહો અને તમારા દાળ અને ચોખાના રોકાણને વળગી રહો. તે અસરકારક છે. અપચો થયા વગર.’
રાધિકા ગુપ્તાના મતે દાળ-ચોખા ફંડનો અર્થ એવો થાય છે કે, જે દરેક ક્ષેત્ર સાથે સંબંધિત હોય. દાળ અને ચોખાની જેમ, તે તમામ ઋતુઓમાં ખાઈ શકાય છે અને ઘણા પ્રદેશોને આવરી લે છે. દાળ-ચોખાના ફંડને એક પોર્ટફોલિયો તરીકે ધ્યાનમાં લો, જેમાં ઘણા ક્ષેત્રોના ભંડોળ હોય છે. એકમાં ખોટ હોય તો બીજામાં ફાયદો થતો હોય. એવું કહી શકાય કે આ ભંડોળ અસ્થિર પરિસ્થિતિઓમાં પણ સ્થિર વળતર આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ બજારની વધઘટ છતાં સ્થિર વળતર આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે. આ ભંડોળ રોકાણકારો માટે વિશ્વસનીય અને ઓછા જોખમી ગણવામાં આવે છે.
આસામ પોલીસે હાલમાં જ ગુવાહાટીમાંથી વિશાલ ફુકન અને સ્વપ્નિલ દાસ નામના બે લોકોની ધરપકડ કરી છે. તેના પર શેર માર્કેટમાં 2200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. બંને રોકાણકારોને 60 દિવસમાં 30 ટકા વળતરની લાલચ આપતા હતા. તેમની જાળમાં ફસાયેલા લોકો તેમની પાસે તેમના પૈસા રોકતા હતા. ત્યાર પછી તેઓએ તેમના પૈસા પરત કર્યા ન હતા.