એક સમયે ગૌતમ અદાણીના તારણહાર બનેલા NRI રોકાણકાર રાજીવ જૈનને અમેરિકામાં આંચકો લાગ્યો છે. US માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ રાજીવ જૈનના GQG પાર્ટનર્સ પર વ્હીસલબ્લોઅર સુરક્ષા નિયમોના કથિત ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. કંપની તરફથી આ આરોપો પર કોઈ પણ પ્રકારનો જવાબ આપવાને બદલે તેને ઉકેલવા માટે આગળના પગલાં ભરવામાં આવ્યા છે. તેના બદલામાં કંપની 5 લાખ ડૉલર (4,18,59,275 રૂપિયા)ની પેનલ્ટી ચૂકવશે. GQG પાર્ટનર્સ એક વર્ષ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે કંપનીએ અદાણી ગ્રૂપના ઘટી રહેલા શેરોમાં ભારે રોકાણ કર્યું હતું.
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરી 2023માં બહાર પાડવામાં આવેલા રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે GQG પાર્ટનર્સે ગ્રૂપના શેરોમાં ભારે રોકાણ કર્યું હતું. US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ 26 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, GQG પાર્ટનર્સે 12 લોકોને 2020 અને 2023 વચ્ચે અતિશય ગોપનીયતા કરારો પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું હતું. આ કરારે સરકારી નિયમનકારો અને એજન્સીઓને પણ ગોપનીય માહિતી જાહેર કરવાથી રોકી હતી.
અમેરિકન રેગ્યુલેટર SEC આ સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી. જો કંપની દોષી સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પરંતુ કંપનીએ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ મામલો થાળે પાડ્યો છે. સાથે કંપનીએ એ પણ સ્વીકાર્યું કે SEC આ મામલે પગલાં લેવા માટે અધિકૃત છે. એન્ફોર્સમેન્ટ ડિવિઝનના એસેટ મેનેજમેન્ટ યુનિટના સહ-ચીફ કોરી શુસ્ટરે જણાવ્યું હતું કે, કરારો દ્વારા અથવા અન્ય કોઈપણ રીતે, કંપનીઓ સંભવિત સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘન વિશે SECને પુરાવા પ્રદાન કરનારા લોકો પર પ્રતિબંધ લાદી શકે નહીં. જ્યારે GQGએ આ જ ભૂલ કરી હતી.
GQGએ SEC દ્વારા કરવામાં આવેલા આરોપોને ન તો સ્વીકાર્યા કે ન તો નકાર્યા. આવું હોવા છતાં, GQG મામલાને ઉકેલવા માટે સંમત થયા. આ કરાર હેઠળ, GQGને કડક ચેતવણી આપવામાં આવી હતી અને વ્હિસલબ્લોઅર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ હેઠળ, GQGને 500,000 ડૉલરનો દંડ ચૂકવવો પડશે. GQG દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે રેગ્યુલેટરના નિયમોને ખૂબ જ ગંભીરતાથી લે છે.
GQG પાર્ટનર્સ એ વૈશ્વિક બુટિક એસેટ મેનેજમેન્ટ ફર્મ છે. તેનું કામ લાંબા ગાળાના મૂલ્યની ડિલિવરી માટે જાણીતું છે. પોતાની પેઢી દ્વારા જૈને ઘણી ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું છે. અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓ પણ આમાં સામેલ છે. શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં GQG પાર્ટનર્સ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ પછી અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. GQGના રોકાણ પછી ગૃપ કંપનીઓના શેરમાં ઘટાડા વચ્ચે થોડો સુધારો જોવા મળ્યો હતો.