ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ બોડીના ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા છે. EDએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં નાણાકીય અનિયમિતતાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર પછી ED HCA અધિકારીઓ સામે કાર્યવાહી કરતી જોવા મળી હતી. EDએ ગુરુવારે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને HCA સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. EDએ કુલ 9 સ્થળો પર દરોડા પાડ્યા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા.
અઝહરુદ્દીને HCAમાં ચેરમેન પદ સંભાળ્યું છે. મળતી માહિતી મુજબ, તેમના કાર્યકાળ દરમિયાન તેમની વિરુદ્ધ લગભગ 20 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. ED દ્વારા કોંગ્રેસ નેતાને મોકલવામાં આવેલું આ પહેલું સમન્સ છે, જે અંતર્ગત તેમણે આજે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું છે.
પૂર્વ કેપ્ટન પર હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર, અગ્નિશમન પ્રણાલી અને કેનોપીની ખરીદી માટે ફાળવવામાં આવેલા 20 કરોડ રૂપિયાના કથિત દુરુપયોગનો આરોપ છે. આરોપ છે કે અધિકારીઓએ ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિએશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું. EDએ આ મામલામાં ત્રણ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અઝહરે પોતાના પર લાગેલા આ આરોપોને નકારી કાઢ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ દરમિયાન EDને નક્કર માહિતી મળે છે કે નહીં.
નવેમ્બર 2023માં, EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ તેલંગાણામાં નવ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. ભૂતકાળમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ તરીકે ફરજ બજાવતા ગદ્દમ વિનોદ, શિવલાલ યાદવ અને અરશદ અયુબના ઘરો પર સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનના પરિણામે ડિજિટલ ઉપકરણો, ગુનાહિત દસ્તાવેજો અને રૂ. 10.39 લાખની બિનહિસાબી રોકડની પુનઃપ્રાપ્તિ અને જપ્તી થઈ. ગદ્દમ વિનોદના એક પરિસરમાં શોધ કરતાં જાણવા મળ્યું કે તેનો ઉપયોગ તેમના ભાઈ ગદ્દમ વિવેકાનંદ, ભૂતપૂર્વ સાંસદની માલિકીની/નિયંત્રિત અનેક કંપનીઓ માટે ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો.
61 વર્ષીય મોહમ્મદ અઝહરુદ્દીને 99 ટેસ્ટ અને 334 ODI મેચ રમી છે. તેણે 47 ટેસ્ટ અને 174 વનડે મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અઝહરે રાજકારણના મેદાનમાં પ્રવેશ કર્યો છે. તેઓ 2009માં લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. અઝહર તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.