તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક નિવૃત્ત એન્જિનિયર સાથે સાયબર ઠગ દ્વારા 4 કરોડ 67 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ સંદર્ભે, સિટી કમિશનર અરુણના નેતૃત્વમાં રચાયેલી વિશેષ ટીમે આ ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે અને 13 લોકોની ધરપકડ કરી છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે, અભિરામપુરમમાં રહેતા 72 વર્ષીય રિટાયર્ડ એન્જિનિયરને એક IVR કોલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનો મોબાઈલ ફોન કનેક્શન બે કલાકમાં બંધ થઈ જશે અને વધુ માહિતી માટે 09 દબાવો.
ગભરાઈ જઈને, નિવૃત્ત ઈજનેરે 9 નંબર દબાવ્યો, કારણ કે તેનો ફોન નંબર આધાર, બેંક વ્યવહારો, LPG કનેક્શન અને વીમા સાથે લિંક હતો. ત્યારપછી ફોન કરનારે કહ્યું કે, તેના ફોન નંબર અને આધાર નંબરનો ઉપયોગ કરીને અનેક બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને હવાલા દ્વારા વ્યવહારો થયા છે. છેતરપિંડી કરનારે દાવો કર્યો છે કે, મુંબઈ અને દિલ્હી સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તેના નામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ પછી તેનો કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો અને અન્ય એક ઠગ, પોતાને મુંબઈ પોલીસ અધિકારી તરીકે દેખાડીને તેની સાથે વાત કરી અને કહ્યું કે તેના નામ પર એક પાર્સલ છે, જેમાં ગેરકાયદે દવાઓ, નકલી પાસપોર્ટ, 257 ATM કાર્ડ, વાઘની ચામડી છે. તેનો ફોન નંબર અને નામ આ બધા સાથે જોડાયેલા છે.
ત્યારબાદ તેને ઠગલોકોએ કહ્યું કે જો તે બે કલાકમાં પૂછપરછ માટે મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નહીં પહોંચે તો તેની ધરપકડ કરવામાં આવશે. જ્યારે ભૂતપૂર્વ એન્જિનિયરે પૂછ્યું કે, તેણે કેસમાંથી મુક્ત થવા માટે શું કરવું પડશે, ત્યારે છેતરપિંડી કરનારે દાવો કર્યો કે તેણે વીડિયો કૉલ દ્વારા સહકાર આપવો પડશે.
આ પછી, ઠગોએ તેની ડિજિટલી ધરપકડ કરી અને ગેરકાયદેસર વ્યવહારો માટે તપાસના બહાને તેની બેંક વિગતો માંગી. તેને તેની બચત એક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું અને ખાતરી આપી કે પૈસા 30 મિનિટમાં પરત કરવામાં આવશે. વ્યવહાર પછી પૈસા પરત ન આવતાં વૃધ્ધને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઇ છે.
વૃદ્ધ ભૂતપૂર્વ એન્જિનિયરે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારપછી વિશેષ ટીમે બે લોકોને પકડ્યા હતા. પોલીસને એવી માહિતી પણ મળી હતી કે, છેતરપિંડી કરાયેલા નાણાં હવાલા મારફતે વિદેશમાં મોકલવામાં આવ્યા હતા અને પછી BINANCE નામની ટ્રેડિંગ એપ દ્વારા ક્રિપ્ટો કરન્સીના રૂપમાં ભારત પાછા આવ્યા હતા. લીડ મળ્યા પછી, વિશેષ ટીમે આ કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી રૂ. 53 લાખ, સેલ ફોન, ચેકબુક, ATM કાર્ડ, પાસબુક અને લેપટોપ જપ્ત કર્યા.