હરિયાણાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, જેલમાં હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહ ચોખરનો પુત્ર સિકંદર હરિયાણાના રસ્તાઓ પર લક્ઝરી કારમાં ફરતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન કોઈ પોલીસકર્મી પણ તેની સાથે રહેતો નથી, જ્યારે કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં શરતો સાથે હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી જ્યારે EDએ સરકારી હોસ્પિટલમાં દરોડા પાડ્યા તો ચોંકાવનારો ખુલાસો થયો.
આ અંગે EDએ ગુરુગ્રામ પોલીસ કમિશનર અને હરિયાણાના DG જેલને પત્ર લખ્યો છે. આ સાથે, EDએ હોસ્પિટલમાં ધારાસભ્યના પુત્રની અય્યાશી અને નિયમોના ભંગના તમામ પુરાવા મોકલ્યા છે. ઉપરાંત, EDએ ગુરુગ્રામ પોલીસ કમિશનરને FIR નોંધવા કહ્યું છે. જેલ મેન્યુઅલનો ભંગ કરીને ધારાસભ્યના પુત્ર સિકંદરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હકીકતમાં સિકંદર ચોખર 400 કરોડના કૌભાંડના આરોપમાં જેલમાં છે. પરંતુ પ્રભાવ એટલો છે કે, ધારાસભ્યનો પુત્ર બીમારીના ખોટા બહાને જેલમાંથી PGI રોહતકમાં દાખલ થયો અને હરિયાણાની સડકો પર ફરવા માટે દરરોજ હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યો છે. આરોપી ફોન પર વાત પણ કરે છે અને ફરીથી ચૂંટણી લડી રહેલા તેના પિતાના પ્રચાર અંગે પાર્ટીના કાર્યકરો સાથે બેઠકો પણ કરે છે.
હરિયાણાના સ્માલખાના કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહ ચોખર અને તેમના પુત્ર સિકંદર રૂ. 400 કરોડના કૌભાંડમાં આરોપી છે. EDએ ધારાસભ્ય અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પુત્ર સિકંદરને EDએ પકડીને જેલમાં મોકલી દીધો છે, પરંતુ જેલમાંથી બહાર નીકળીને પુત્ર હોસ્પિટલમાંથી પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. હરિયાણા-પંજાબ હાઈકોર્ટે પણ ધારાસભ્ય ચોખર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે અને તેમને આત્મસમર્પણ અથવા ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો છે. પરંતુ તેમ છતાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
અહીં આપને જણાવી દઈએ કે, ધરમ સિંહ ચોખર અને તેના પુત્ર સિકંદર સિંહ પર 1500થી વધુ ઘર ખરીદનારાઓને છેતરવાનો આરોપ છે. EDએ બંને વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ઓગસ્ટ 2024ના છેલ્લા સપ્તાહમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સિકંદરની જામીન અરજી ફગાવી દીધી હતી. પરંતુ આ પછી તેણે બીમારી અને મેડિકલ રેકોર્ડનું બહાનું બનાવીને જેલમાં રહેવાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
તેના જામીન નામંજૂર થયા પછી આરોપીને બે વખત PGI રોહતકમાં દાખલ કરવામાં આવ્યો હતો. પહેલીવાર 2 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2024 સુધી અને પછી 26 સપ્ટેમ્બરથી અત્યાર સુધી. એવો આરોપ છે કે, સિકંદરને કોઈ ગંભીર બીમારી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, CCTV ફૂટેજમાં ધારાસભ્ય ધરમ સિંહનો પુત્ર કાયદાને પણ સાઈડ પર રાખીને PGI રોહતકમાંથી બહાર આવતો જોઈ શકાય છે. મેડિકલ રેકોર્ડમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આરોપ છે કે, તે હોસ્પિટલમાંથી બહાર આવવાનું, હોટલમાં રોકાવાનું, પાર્ટી કરવાની, ફોનનો ઉપયોગ કરવા ઉપરાંત ફોર્ચ્યુનર કારનો પણ ઉપયોગ કરી રહ્યો છે.