અમેરિકાએ ચીનની બે કંપનીઓને પ્રતિબંધની યાદીમાં મૂકી છે. આ કંપનીઓ પર ઉઇગર મુસ્લિમો પાસેથી બળજબરીથી મજૂરીનો ઉપયોગ કરવાનો આરોપ છે. અમેરિકાએ પુનરોચ્ચાર કર્યો કે, તે માનવાધિકારની સુરક્ષા માટે આવા પગલાં લેવાનું ચાલુ રાખશે. ચીને આરોપ લગાવ્યો કે આ તેની આર્થિક પ્રગતિને રોકવાનો પ્રયાસ છે.
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં નવો પડકાર ઉભો થયો છે. હાલમાં જ અમેરિકી સરકારે ચીનના બે મોટા ઉદ્યોગોમાંથી આવતા સામાન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ કંપનીઓ પર બળજબરીથી મજૂરીનો ઉપયોગ કરવાનો આરોપ છે. ખાસ કરીને શિનજિયાંગ પ્રદેશમાં, જ્યાં પહેલેથી જ ઉઇગુર મુસ્લિમો પર અત્યાચારના અહેવાલો આવી ચુક્યા છે. આ પ્રતિબંધની અસર બંને દેશોના વેપાર પર પડી શકે છે.
US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ બુધવારે જાહેરાત કરી હતી કે, તે ચાઇનીઝ સ્ટીલ ઉત્પાદક અને કૃત્રિમ સ્વીટનર ઉત્પાદક પાસેથી માલની આયાત પર પ્રતિબંધ મૂકશે. આ બંને કંપનીઓ પર ચીનના સુદૂર-પશ્ચિમ વિસ્તાર શિનજિયાંગમાં લોકોને બળજબરીથી મજૂરી કરાવવાનો આરોપ છે. આ પગલું માનવાધિકાર ઉલ્લંઘન સાથે જોડાયેલા ઉત્પાદનોને દેશમાં પ્રવેશતા અટકાવવાના USના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
આ નવા પગલામાં, અમેરિકાના ઉઇગુર ફોર્સ્ડ લેબર પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રથમ વખત ચીનની સ્ટીલ કંપની અને આર્ટિફિશિયલ સ્વીટનર બિઝનેસને નિશાન બનાવવામાં આવ્યા છે. કાયદો એવી કંપનીઓને લક્ષ્ય બનાવે છે, જે ઉઇગુર અને અન્ય મુસ્લિમ લઘુમતી જૂથો સામેના માનવ અધિકારોના ઉલ્લંઘન સાથે સંકળાયેલ હોઈ શકે છે.
હોમલેન્ડ સિક્યોરિટી ખાતેના પોલિસી અન્ડરસેક્રેટરી રોબર્ટ સિલ્વર્સએ જણાવ્યું હતું કે,’આજના નિર્ણયો અમેરિકન સપ્લાય ચેનમાંથી બળજબરીથી મજૂરીને દૂર કરવા અને માનવ અધિકારોનું રક્ષણ કરવાના અમારા સંકલ્પને પુનરાવર્તિત કરે છે.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહીથી કોઈ વિસ્તાર અસ્પૃશ્ય નથી.
આ સંઘીય કાયદા પર રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા 2021ના અંતમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બેઇજિંગ દ્વારા શિનજિયાંગ પ્રદેશમાં ઉઇગુર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓ સામે માનવાધિકારના ઉલ્લંઘનના આરોપો પછી તેનો અમલ કરવામાં આવ્યો હતો.
જો કે, ચીનની સરકારે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને તેની પ્રાદેશિક નીતિઓને આતંકવાદ સામે લડવા અને સ્થિરતા જાળવવાના ભાગ તરીકે ગણાવી હતી. આ નવું પગલું રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકારોને પ્રાથમિકતા આપવા તરફ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં પરિવર્તનનું પ્રતીક છે. ચીને અમેરિકા પર માનવાધિકારના બહાને ચીનની આર્થિક પ્રગતિ રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
કાયદાના અમલીકરણમાં શરૂઆતમાં સૌર ઉત્પાદનો, ટામેટાં, કપાસ અને કાપડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના મહિનાઓમાં US સરકારે એલ્યુમિનિયમ અને સીફૂડ સહિતના નવા ક્ષેત્રોને સૂચિમાં ઉમેર્યા છે.
સિલ્વર્સે જૂનમાં કાયદાની બે વર્ષની વર્ષગાંઠ પર જણાવ્યું હતું કે, ‘તે દુઃખદ છે કે બળજબરીથી મજૂરીનું કલંક હજુ પણ ઘણી સપ્લાય ચેઇન્સમાં હાજર છે.’ તેમણે એમ પણ કહ્યું કે, આ કાયદાએ આયાતકારોને તેમની સપ્લાય ચેઈનને વધુ સારી રીતે જાણતા હોવાની ખાતરી કરવાની ફરજ પાડી છે.
હોમલેન્ડ સિક્યોરિટી અનુસાર, જૂન 2022થી અત્યાર સુધીમાં, 75 કંપનીઓ બળજબરીથી મજૂરીનો ઉપયોગ કરતી અથવા તેનાથી સંબંધિત સોર્સિંગ ઉત્પાદનોનો ઉપયોગ કરતી કંપનીઓની સૂચિમાં ઉમેરવામાં આવી છે. આ યાદીમાં તાજેતરમાં ચીની કંપનીઓનો ઉમેરો થયો છે.