દક્ષિણી વિયતનામના પ્રાણીસંગ્રહાલયોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ ફેલાયો છે. બર્ડ ફ્લૂના કારણે અહી એક દીપડો, 3 સિંહ અને 47 વાઘોના મોત થઇ ગયા છે. સતત ફેલાઇ રહેલા આ બર્ડ ફ્લૂથી એ વાતની ચિંતા વધી ગઇ છે કે આ વાયરસ મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. વિયતનામની સરકારી સમાચાર એજન્સી (VNA)એ બુધવારે જણાવ્યું કે, આ મોતો ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં 2 પ્રાણીસંગ્રહલયોમાં થયા છે. આ પ્રાણીસંગ્રહાલયો લોંગ એન પ્રાંતના પ્રાઇવેટ માઇ ક્વીન સફારી પાર્ક અને રાજધાની હો ચી મિન્હ સિટીના ડોંગ નાઇમાં સ્થિત છે.
મોતો બાદ નેશનલ સેન્ટર ફોર એનિમલ હેલ્થ ડાયગ્નોસિસના પરીક્ષણના પરિણામોએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે વાઘો, દીપડા અને સિંહનો મોત H5N1 ટાઇપ A વાયરસના કારણે થયા છે. જો કે, અત્યાર સુધી અહી તૈનાત કોઇ પણ કર્મચારીમાં બર્ડ ફ્લૂના લક્ષણ દેખાઇ રહ્યા નથી. મીડિયા દ્વારા જ્યારે પ્રાણીસંગ્રહાલયોને સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. VNA રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણીઓ સાથે નજીકથી સંપર્કમાં આવનારા કોઇ પણ પ્રાણીસંગ્રહાલયના કર્મચારીમાં શ્વસન સંબંધિત લક્ષણ દેખાઇ રહ્યા નથી.
વન્યજીવ સંરક્ષણ પર કેન્દ્રિત એક ગેર સરકારી સંગઠન, એજ્યુકેશન ફોર નેચર વિયતનામે કહ્યું કે, 2023ના અંત સુધીમાં વિયતનામમાં કુલ 385 વાઘ પ્રાણીસંગ્રહાલયોમાં રહેતા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે, વર્ષ 2022થી H5N1 સહિત એનફ્લૂએન્જા વાયરસના કારણે સ્તનધારીઓમાં ઘાતક પ્રકોપના કેસ વધી રહ્યા છે. H5N1નું સંક્રમણ મનુષ્યોમાં સામાન્યથી લઇને ગંભીર લક્ષણ હોય શકે છે અને કેટલાક મામલાઓમાં ઘાતક પણ હોય શકે છે. વિયતનામે માર્ચનમાંવિશ્વ આરોગ્ય સંસ્થાને વાયરસમાંથી એક માનવ મોત બાબતે જાણકારી આપી હતી.
વિશેષજ્ઞોએ કહ્યું કે, સંક્રમિત મરઘીનું માંસ ખાવાથી પશુઓને વાયરસનું સંક્રમણ થયું હશે. હોંગકોંગ યુનિવર્સિટીના પ્રોફેસર બેન કાઉલિંગે કહ્યું કે, તુરંત શંકા એ છે કે પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓને જે પણ ખાવા આપવામાં આવ્યું હશે તે સંક્રમિત થશે, જેમ કે H5N1વાળી મરઘીઓ ખાવા આપી હશે. તેમણે કહ્યું કે તે સામાન્ય વાત નથી, પરંતુ વાઘોમાં અગાઉ પણ એવિયન એનફ્લૂએન્જા થઇ ચૂક્યો છે. વર્ષ 2003 અને વર્ષ 2004માં જ્યારે આ બીમારી આખા દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાઇ હતી ત્યારે 24 લોકો ખતરનાક સંક્રમિત થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં થાઇલેન્ડમાં દુનિયાના સૌથી મોટા પ્રજનન ફાર્મમાં બર્ડ ફ્લૂથી ડઝનો વાઘોના મોત થયા હતા અને તેમને મારી નાખવામાં આવ્યા હતા.