fbpx

કોણ છે એ સ્વામી જેમણે નવરાત્રીને લવરાત્રી કહી અને તે આ વાતથી જરાય દિલગીર નથી

Spread the love

સ્વામિનારાયણ સાધુ અનુપમસ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થઇ રયો છે. જેમાં તે નવરાત્રિ અંગે ગમે તેવી વાતો કરતો હોવાનો આક્ષેપ લાગી રહ્યા છે. વીડિયોમાં તે એમ કહેતો નજરે પડી રહ્યો છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. નવ દિવસનો નાઇટ ફેશન શૉ છે. વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવી ગયા છે. એ સિવાય પણ તેણે લગભગ 10 મિનિટના વીડિયોમાં કેટલાક એવી વાતો કહી જેનાથી લોકો જ નહીં, પરંતુ સાધુ-સંતોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ આ બફાટી સાધુ વિશે.

અનુપમસ્વરૂપ સ્વામી મે 2021થી યુટ્યૂબ પર સક્રિય છે. સામાન્ય રીતે સાધુ-સંતો દ્વારા અપાતા ઉપદેશના વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે, પણ અનુપમસ્વરૂપ સ્વામીએ પણ યુટ્યૂબ ચેનલ પર ધાર્મિક અને સામાજિક મુદ્દાને લગતા વીડિયો બનાવીને અપલોડ કર્યા હતા. ઓગસ્ટ 2021થી અનુપમસ્વરૂપ સ્વામીએ ધાર્મિક ઉપદેશના વીડિયો બનાવવાની સાથે સાથે સાત્ત્વિક રસોઇની રેસિપીના વીડિયો પર અપલોડ કરવાની શરૂઆત કરી હતી. જેમાં તે રોટલીથી માંડીને ઘરમાં બનતા વિવિધ ભોજનો તથા પ્રસાદ કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી આપે છે.

આવા વીડિયો જોનારા લોકોની સંખ્યા લાખોમાં છે. તેને યુટ્યૂબ તરફથી સિલ્વર બટન પણ મળ્યું છે. યુટ્યૂબ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ અનુપમસ્વરૂપ સ્વામી પોતે ભજન ગાતા હોય એવા વીડિયો મૂકે છે. નવરાત્રિના એક દિવસ અગાઉ (2 ઓક્ટોબર)ના રોજ તેણે યુટ્યૂબ પર લગભગ 10 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોનું ટાઇટલ હતું નવરાત્રિ કે લવરાત્રિ? તેની સાથે જ તેણે પોતાની અલગ-અલગ અવસ્થાની તસવીરો પણ વીડિયોની શરૂઆતમાં મૂકી છે. જેમાં તેણે પોતાના મોઢા પર તેમજ આંખો પર હાથ મૂકયા હતા.

અનુપમસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, હું છેલ્લાં 16 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ તરીકે રહું છું અને સંતનું જીવન જીવું છું. જે મૂળ જૂનું કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય, ત્યાં મેં દીક્ષા લીધી હતી. સાધુ તરીકે અમારી ફરજ છે કે સમાજને સારા માર્ગે વાળવો જોઇએ. જો કોઇ ખરાબ બાબત સમાજમાં પ્રવેશે તો તેનો નીડરતાથી વિરોધ કરવો જોઇએ. નવરાત્રિના નામે દૂષણ ફેલાય છે, માતાજીને સાઇડમાં મૂકીને ફેશનને મહત્ત્વ અપાય છે, સાત્ત્વિકતાને સાઇડમાં મૂકીને તમોગુણ અને રજોગુણને જે ચડાવીને બેઠા છે એવા લોકો માટે મેં તાજેતરમાં વીડિયો બનાવ્યો છે.

તેણે વધુમાં કહ્યું કે, આ વીડિયો મેં નવરાત્રિના 3 દિવસ અગાઉ બનાવ્યો હતો પરંતુ હાલમાં ચર્ચામાં આવ્યો છે. એ પણ સારી બાબત છે. કેમ કે સારો મેસેજ ગમે ત્યારે સામે આવે. ચર્ચાનો મુદ્દો એ હોવો જોઇએ કે મેં વીડિયો બનાવ્યો છે શા માટે? તેમાં કઇ વાત કહેવામાં આવી છે? નવરાત્રિમાં કેવા-કેવા ફેરફાર હોવા જોઇએ? આપણને છૂટ મળી છે તેનો સદુપયોગ કેવી રીતે કરવો જોઇએ? સરકારનું અને ધર્મજગતનું કામ અલગ છે. હાલમાં યુવાનો અને સમાજની માગના કારણે પ્રશાસન અને સરકાર ઘણી છૂટ આપે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ છૂટ પણ આપી છે અને સાથે કડક સંદેશ પણ આપ્યો છે. એટલે સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર લોકોને ફિઝિકલ સુરક્ષા મળે તેનું ધ્યાન આપે છે, પરંતુ વધારે છૂટછાટના કારણે લોકોના મન બગડશે. યુવાનોના મન વિકૃત થઇ રહ્યા છે તેની જવાબદારી કોણ લેશે? એ જવાબદારી સરકાર લેતી નથી અને ક્યારેય લે પણ નહીં. એના માટે બધાના પરિવારજનો, સમાજના આગેવાનોની જવાબદારી બને છે. નવરાત્રિ નહીં લવરાત્રિ છે એવું કેમ લાગી રહ્યું છે? આ સવાલ પૂછવામાં આવતા અનુપમસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મેં આ શબ્દ સાંભળ્યો હતો.

અત્યારે નવરાત્રિનો માહોલ રાજસી થઇ ગયો છે. આ શબ્દ વ્યંગ તરીકે ઉપયોગ કર્યો છે. નવરાત્રિમાં જો માતાજીને મૂકીને અન્ય કોઇ ઉપર નજર જાય, મન બંધાય, મન વિકૃત થાય તો એ લવરાત્રિ જ થઇને! કેટલાક લોકો ખરાબ નજરે મહિલાને જુએ ક્યાં તો એવા ભાવથી લોકો નવરાત્રિમાં ગરબા રમવા માટે આવે છે તેમના માટે મેં આ કટાક્ષ કર્યો હતો. સમાજના આગેવાનોએ પણ આ વાત ધ્યાનમાં લેવી જોઇએ. મેં નવરાત્રિમાં અમુક ફેરફાર સૂચવ્યા છે. ઘરના કે સમાજના અગ્રણીઓએ પણ જવાબદારી લેવી જોઇએ.

અનુપમસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, હું કયા સંપ્રદાયમાંથી આવું છું એ જોવા કરતા ભારતના એક જવાબદાર નાગરિક, સનાતન સંપ્રદાયના સાધુ તરીકે કહું છું, જો એટલું સ્વીકારવામાં આવે તો વાત સમજાઇ જશે. ‘દીકરીઓ, બહેનોને વરુની વચ્ચે સસલાની જેમ ગરબે રમાડાય છે.’ અનુપમસ્વરૂપ સ્વામીએ ઉચ્ચારેલા આ વાક્યને લઇને પણ ઘણા લોકોએ આપત્તિ દર્શાવી છે. જેના પર સ્પષ્ટા આપતા તેણે બોલ્યા, જે દીકરીઓના માતા-પિતા સાથે ગરબા રમવા જાય છે એમને મારા વંદન છે. દરેક ઘરના દીકરા-દીકરીઓ પોતાના માતા-પિતા કે ઘરના વડીલો સાથે ગરબા રમવા જાય એવી મારી માગણી છે.

તેણે કહ્યું કે, કદાચ શબ્દપ્રયોગ કોઇને ખરાબ લાગી શકે છે, પરંતુ અસરકારક દવા કડવી હોય તો પીવી જોઇએ. મેં વીડિયોમાં 10 મુદ્દાની વાત કરી છે. તેમાંથી જો એક પણ મુદ્દાનું અમલીકરણ કરવામાં આવે તો સમાજને ફાયદો થશે. નવરાત્રિ એ માતાજીનો ઉત્સવ છે. તેમાં દૂષણ ઘૂસી જાય અને તેના વિશે કોઇને બોલતા અટકાવીશું તો આ વાત લોકો સુધી નહીં પહોંચે. ઘણા લોકો પોતાના ષડ્યંત્રોનું પ્લાનિંગ અને પ્લોટિંગ કરીને જ બેઠા હોય છે. છેવટે સમાજે ભોગવવાનો વારો આવશે.

પોતે કહેલી વાતને સાચી ઠેરવતા અનુપમસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, બુદ્ધિશાળી અને સમાજની સાચા અર્થમાં ચિંતા કરનારા મારી વાતનો વિરોધ ન કરી શકે. એ લોકો વાતના મર્મને સમજે છે. જો સામાન્ય માણસ પણ સમજી શકે તો ધર્મના વડાને તો આ વાત સમજાવી જ જોઇએ. વીડિયો બનાવ્યો ત્યારે મને લાગ્યું હતું કે બધા તેને સકારાત્મક રીતે જોશે. પણ શરૂઆતમાં નેગેટિવ વાત થઇ એટલે લોકોને ખોટું લાગ્યું હોય. પરંતુ લોકો તેને સાંભળશે તો સમજાઇ જશે કે સ્વામીનું કહેવાનું તાત્પર્ય શું હતું.

તેણે કહ્યું કે, વીડિયો કહેલી વાતોને લઇને હું જરા પણ દિલગીર નથી. હું હાલમાં આ મુદ્દે અડગ અને નીડર છું. મારી વાતને ભાંગી-તોડીને ન સાંભળો. આખી વાતને સાંભળો અને સમજો. એક સવાલના જવાબમાં અનુપમસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, ના એમ તો હું નથી કહેતો. કેમ કે હું પણ સનાતન ધર્મનો જ એક સાધુ છું. ધર્મની બદનામી એ આપણા બધાની બદનામી છે. હું એમ કહેતો નથી કે કોઇને હાથો બનાવીને મારા ઉપર પ્રહાર થાય. હું એમ ઇચ્છું છું કે આ મેસેજ લાખો લોકો સુધી પહોંચે કે સ્વામી બોલ્યા તો કેમ? જેથી લોકોને ખ્યાલ આવશે કે શું સમાજમાં એવું ચાલે છે. જો યોગ્ય નથી લાગતું તો જેમ અનેક વાતને ઇગ્નોર કરો છો એમ મારી વાતને પણ ઇગ્નોર કરી દો.

તેણે આગળ કહ્યું કે, આજે દીકરી જ્યારે મોડી રાત્રે ઘરે પાછી આવે છે ત્યારે માતા-પિતાને ચિંતા થાય છે. ભલે તેઓ આંખ બંધ કરીને ઊંઘતા હોય પરંતુ ઊંઘ આવતી નથી. તેમને સંતાનોનીં ચિંતા હોય છે. જવાન દીકરો કે દીકરી ઘરે આવે ત્યારે જેવી-તેવી હાલતમાં તો આ વાત સ્વીકાર્ય કહેવાય? બધાને ચિંતા છે પણ કહે કોણ? જો કોઇ કહે તો કદાચ માને કોણ? તમારા સંતાનની કમાન તમારા હાથમાં હોવી જોઇએ. સ્વામીનો વીડિયો ને લઇને હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. હિન્દુ સાધુ-સંતો પણ કેટલાક શબ્દપ્રયોગને લઇને આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!