હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતની હેટ્રિક લગાવી છે અને ફરી એક વખત ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના મુખ્યમંત્રી બનવાના સપના પર પાણી ફરી ગયું. શરૂઆતી એક કલાકના ટ્રેન્ડ એવો દાવો કરી રહ્યા હતા કે કોંગ્રેસ પ્રચંડ બહુમત સાથે હરિયાણામાં સરકાર બનાવવા જઇ રહી છે, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધી, કોંગ્રેસ સત્તાથી દૂર થતી ગઇ. આ વાત હવે કોંગ્રેસને પચી રહી નથી. કોંગ્રેસે ગત ચૂંટણીની જેમ આ વખત પણ EVMમાં છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો.
કોંગ્રેસ નેતા પવન ખેડા અને જયરામ રમેશ મીડિયા સામે આવ્યા અને તેમની તરફથી કહેવામાં આવ્યું કે 3 વિધાનસભા ક્ષેત્રોમાં EVM મશીન બદલવામાં આવ્યા. ભાજપને તેનો સીધો ફાયદો મળ્યો. કોંગ્રેસનું કહેવું છે કે બદલાયેલી EVMની બેટરી 99 ટકા હતી. મતદાનથી લઇને ગણતરી સુધી બધુ પૂરું થયા બાદ કોઇ EVMની બેટરી 99 ટકા કેવી રીતે હોય શકે છે? ચૂંટણી પંચના અધિકારીઓ તરફથી બેટરી સાથે જોડાયેલા આરોપો પર જવાબ આપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે, EVM ચાલુ કરવા અને મતદાન બંધ કરવાની પ્રક્રિયા ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં કરવામાં આવે છે. જ્યારે નવી બેટરી લગાવવામાં આવે છે તો તેની ક્ષમતા 7.5 વૉલ્ટ કે 8 વૉલ્ટ હોય છે. જ્યારે બેટરીની ક્ષમતા 7.4 વૉલ્ટ વચ્ચે હોય છે, ત્યારે તે 99 ટકા ચાર્જ દેખાડે છે. જ્યારે તે 7.4 વૉલ્ટથી ઓછી થઇ જાય છે તો એ વાસ્તવિક ટકાવારી 98 ટકા અને 10 ટકા વચ્ચે દેખાડવાનું શરૂ કરી દે છે. જ્યારે તે 5.8 વૉલ્ટ કે 10 ટકા ચાર્જ પર પહોંચે છે તો ડિસ્પ્લે યુનિટ પર બેટરી બદલવાનો સંકેત મળે છે.
શું કહે છે ચૂંટણી પંચનું મેન્યુઅલ?
ચૂંટણી પંચના 2 અધિકારીઓએ જણાવ્યું કે, મતદાન બંધ થવાના સમયે કોઇ પણ ઉમેદવાર કે તેમના એજન્ટે આપત્તિ દર્શાવી નહોતી. બેટરીની લાઇફ એ વાત પર નિર્ભર કરે છે કે મતદાન અગાઉ તેનો ઉપાયોગ કરીને કેટલા મોક પોલ આયોજિત કરવામાં આવ્યા છે, પરંતુ બેટરી પૂર્ણ મતદાન પ્રક્રિયા દરમિયાન 99 ટકા પર રહી શકે છે. ચૂંટણી પંચના EVM મેન્યૂઅલ્સ કહે છે કે મતદાન દરમિયાન EVM કંટ્રોલ યુનિટની બેટરી કે પાવર પેક બદલવા માટે ઉમેદવારોના પોલિંગ એજન્ટોએ હાજર રહેવું પડશે.