હરિયાણામાં ચૂંટણીની હાર પછી કોંગ્રેસ પણ EVM પર આરોપ લગાવી રહી છે. એટલું જ નહીં, હવે અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ આને લઈને પ્રહારો કરી રહી છે. શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘હવે કોણ જોશે કે રાહુલ ગાંધીએ કયા પુરાવા રજૂ કર્યા? ચૂંટણી પંચ દરેકની સાથે છેતરપિંડી કરે કરે છે. જનતાએ આ વિશે વિચારવું જોઈએ કે, મહારાષ્ટ્રમાં કોણે શું કર્યું અને કોણ શું કરવા માંગે છે.’ સંજય રાઉત આ પહેલા પણ EVM પર સવાલ ઉઠાવતા રહ્યા છે. કોંગ્રેસે ચૂંટણીમાં હાર માટે EVMને જવાબદાર ઠેરવ્યું છે અને આ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવાની પણ જાહેરાત કરી છે.
આ દરમિયાન સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર વોટ જેહાદનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘લાડલી બહેન’ યોજના શરૂ કરવામાં આવી છે. આ સિવાય મદરેસા શિક્ષકોના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સંજય રાઉતે કહ્યું, ‘શું આ વોટ જેહાદ નથી? અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ શું કરવામાં આવે છે તે જનતા જાણે છે. પરંતુ જો આપણે પણ આ જ પગલું ભર્યું હોત તો વોટ જેહાદ આચરવામાં આવી હોવાનું કહેવાયું હોત. હવે તમે શું કહેશો?’ મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં જ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આમાંથી જ એક ‘લાડલી બહેન’ યોજના પણ છે.
આ દરમિયાન, હારને લઈને કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પણ કહ્યું હતું કે, મંથન માટે બેઠકો ચાલુ રહેશે. તિવારીએ કહ્યું કે ગઈ કાલે આ સંબંધમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ભવિષ્યમાં પણ ચર્ચા થશે. આ બેઠકમાં જે પણ નિર્ણયો લેવામાં આવશે તેની જાણ કરવામાં આવશે. અમે દરેક લોકોના સૂચનો સામેલ કરીશું. આટલું જ નહીં, તેમણે EVMને લઈને આરોપનું પુનરાવર્તન કર્યું.
પ્રમોદ તિવારીએ કહ્યું, ‘અમને જાણી જોઈને 20 સીટો પર હાર આપવામાં આવી. ત્યાં બહુ ઓછો તફાવત છે. અમે શરૂઆતમાં મોટાભાગની સીટો પર આગળ હતા, પરંતુ ત્યાર પછી મતગણતરી ધીમી પડી ગઈ હતી. આ કારણ શંકાને જન્મ આપે છે.’ તેમણે કહ્યું કે, ‘ચૂંટણી માત્ર સ્વચ્છ જ નહીં પરંતુ પારદર્શક પણ હોવી જોઈએ. તેથી જે 20 બેઠકો પર અમને ગેરરીતિની આશંકા છે, તેની પુનઃ ગણતરી કરવી જરૂરી છે.’