દિલ્હીના પાલમથી ચોરી થયેલી સ્કૉર્પિયો રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં મળી આવી છે. આ ગાડી બિકાનેરમાં 2 દિવસથી લાવારિસ હાલતમાં ઊભી હતી. ચોરોએ ગાડીને ચોરી કર્યા બાદ નાપાસર વિસ્તારમાં એક હોટલ બહાર ઊભી કરી દીધી હતી. પાછળવાળા કાચ પર ચોરોએ માફીનામું લખ્યું છે. સ્કૉર્પિયોની અંદર કાગળ ચોંટાડ્યું છે. જેના પર લખ્યું છે કે કારને દિલ્હીના પાલમથી ચોરવામાં આવી છે. ચોરે સોરી લખતા માફી પણ માગી હતી. વટેમાર્ગુઓએ માફીનામું જોયું અને પોલીસને માહિતી આપી દીધી હતી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ગાડીને ક્રેનની મદદથી પોલીસ સ્ટેશન લઈ ગઈ.
રાજસ્થાન પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, આસપાસના CCTV કેમેરાની શોધખોળ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકો બાબતે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે આ ગાડી 2 દિવસથી લાવારિસ હાલતમાં ઊભી હતી. નાપાસર પોલીસ સ્ટેશનના અધિકારી જસવીર કુમારે ગાડીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, એક વટેમાર્ગુએ સવારે 9:00 વાગ્યે ફોન કરીને સ્કૉર્પિયો બાબતે જાણકારી આપી હતી.
જયપુર રોડ પર ગ્રીન ગાર્ડન નામની હોટલ છે. તેની બહાર લાવારિસ હાલતમાં ઊભી સફેદ રંગની સ્કૉર્પિયોને પોલીસ સ્ટેશનમાં ઊભી કરાવી દીધી છે. પાછળના કાંચ પર ચોરે ગાડી ચોરી થવા બાબતે લખ્યું છે. તપાસ કરવા પર તેમને સ્કૉર્પિયો લોક મળી. આસપાસના લોકોએ જણાવ્યું કે, આ ગાડી 2 દિવસથી અહી ઊભી હતી. ગાડીના પાછળના કાંચ પર 2 કાગળ મળ્યા છે. પહેલા કાગળ પર લખ્યું છે ગાડીને પાલમ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી છે. ત્યારબાદ ગાડીનો નંબર અને અંતમાં સોરી લખ્યું છે. બીજા કાગળ પર લાઇ લવ માય ઈન્ડિયા જેવા શબ્દ લખ્યા છે.
પોલીસ ગાડી નંબરોના આધાર પર તપાસ કરી છે. આ ગાડી વિનય કુમારના નામ પર રજિસ્ટર્ડ છે. જે દિલ્હીની પાલમ કોલોનીનો રહેવાસી છે. સ્કૉર્પિયોને 432 કિમી દૂર ચોરીને કોણ લાવ્યું છે? તેની તપાસ કરવામાં આવી રહી છે. વિનય કુમાર સાથે પોલીસની વાતચીત થઈ ચૂકી છે. વિનય કુમારે પોલીસને જણાવ્યું કે ગાડીને તેના ઘર આગળથી 9-10 ઓક્ટોબરની રાત્રે ચોરી કરવામાં આવી છે. તેની ફરિયાદ પાલમ પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. તો પોલીસની વાત પાલમના હેડ કોન્સ્ટેબલ સંદીપ કુમાર સાથે પણ થઈ ચૂકી છે. પોલીસને શંકા છે કે ગાડીનો ઉપાયોગ કોઈ ઘટનામાં કરવામાં આવ્યો છે. કાગળની કાર્યવાહી પૂરી થયા બાદ ગાડીના મલિકને સોંપવામાં આવશે.