હરણી બોટ દુર્ઘટના બાદ શાળાઓના શૈક્ષણિક પ્રવાસો પર રોક લગાવી દેવામાં આવી હતી અને શિક્ષણ વિભાગે સખત પગલાં ઉઠાવતા બધા પ્રકારના શૈક્ષણિક પ્રવાસો માટે મંજૂરી વિવા બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દુર્ઘટના બાદ, વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે શૈક્ષણિક પ્રવાસો માટે નવા નિયમો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે ગુજરાત સરકારે શૈક્ષણિક પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં શાળાઓ માટે તમામ સૂચનાઓનો સમાવેશ કરવામાં આવશે. જેથી શાળાઓ કાયદેસરની પદ્ધતિ અનુસાર વિદ્યાર્થીઓના પ્રવાસનું આયોજન કરી શકે.
રાજ્ય સરકાર આજે નવી ટૂર ગાઇડલાઇન જાહેર કરી. જેમાં શાળાઓના પ્રવાસો માટે સ્પષ્ટ અને કડક નિયમો લગાવવામાં આવશે. આ માર્ગદર્શિકાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, શાળાઓને શૈક્ષણિક પ્રવાસો માટે સમયસર સાવધાની રાખવાની સૂચના આપવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. શૈક્ષણિક હેતુ માટેના કોઇપણ પ્રવાસ માટે શાળાઓએ 15 દિવસ અગાઉ જ સંબંધિત અધિકારીઓને જાણકારી આપવી પડશે. જેમાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રવાસ માટે અગાઉથી મંજૂરી લેવી જરૂરી રહેશે. જેથી કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને.
પ્રવાસ દરમિયાન પ્રવાસ માટે લાવવામાં આવતી વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RTOને પણ જરૂરી માહિતી આપવી પડશે. એ સિવાય, સ્થાનિક પોલીસને પણ પ્રવાસ અંગે જાણકારી આપવી પડશે, જેથી તેઓ માર્ગસુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે યોગ્ય પગલાં લઇ શકે. આ ગાઇડલાઇન રાજ્યના તમામ શાળાઓ માટે ફરજિયાત રહેશે. શાળાઓએ આ ગાઇડલાઇન મુજબ કાર્ય ન કર્યું તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે. શૈક્ષણિક પ્રવાસને સુરક્ષિત બનાવવાનો આ પ્રયાસ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને આ ગાઇડલાઇન જાહેર થતાની સાથે શાળાઓએ નિયમોનું પાલન કરવું પડશે.
મુખ્ય સૂચનાઓ
શૈક્ષણિક પ્રવાસ માટે શાળાના આચાર્યના અધ્યક્ષ પદ હેઠળ વાલી પ્રતિનિધિઓના સમાવેશ સાથે એક સમિતિની રચના કરવી પડશે. આ સમિતિ પ્રવાસ માટેના સ્થળોની પસંદગી, જોખમો, લાભો અંગેની ચર્ચા કરશે. રાજ્યની અંદર કે બહારના પ્રવાસ માટે, સંબંધિત અધિકારીઓ પાસે પ્રવાસની બધી માહિતીઓ સાથે 15 દિવસ અગાઉ મંજૂરી લેવી જરૂરી છે. સમિતિએ એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની ‘કન્વિનર’ તરીકે નિમણૂક કરવી પડશે અને તેઓ મુસાફરીનું આયોજન નક્કી કરશે.
તમામ વિદ્યાર્થીના વાલીઓની સંમતિ લેવી ફરજિયાત છે. આ સંમતિ મીટિંગ દ્વારા કે લેખિત રૂપે લેવી જરૂરી. કોઇ પણ વિદ્યાર્થી કે વાલી માટે પ્રવાસ મરજિયાત રહેશે. 15 વિદ્યાર્થીઓ દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષકની હાજરી સાથે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શારીરિક કે માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, તેમજ ગંભીર બીમારીવાળા વિદ્યાર્થીઓને આ પ્રવાસમાં સામેલ નહીં કરવામાં આવે. જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલાઓની સુરક્ષા જાળવવા માટે મહિલા કર્મચારીઓને સામેલ કરવી જરૂરી છે.
પ્રવાસ દરમિયાન First Aid કીટ સાથે રાખવી જરૂરી છે અને મુસાફરી માટે GPS ટેક્નોલોજી ધરાવતા વાહનોની પસંદગી કરવી. વાહન ચલાવતી વખત ડ્રાઇવરે ગતિ મર્યાદાનું પાલન કરવું જરૂરી રહેશે અને ડ્રાઇવર કોઇ પણ પ્રકારના નશાની હાલતમાં ન હોય તે સુનિશ્ચિત કરવું જોઇએ. પ્રવાસ દરમિયાન ડ્રાઇવર તેમજ સ્ટાફ દ્વારા આલ્કોહોલ કે કેફી પદાર્થોનો ઉપયોગ ન કરવો. એડવેન્ચર કેમ્પ, બોટિંગ વગેરે જોખમી પ્રવૃત્તિઓ પ્રવાસ દરમિયાન ટાળવી.
પ્રવાસ દરમિયાન સ્વચ્છ અને સુરક્ષિત રહેવા માટે રાત્રિ રોકાણનું કાળજીપૂર્વક આયોજન પણ કરવું. પ્રવાસ દરમિયાન શાળાના આચાર્ય અને નિમણૂક કરેલા કન્વિનરે તમામ સૂચનાઓના ચુસ્ત અમલીકરણની તપાસ કરવી જરૂરી છે.