મહારાષ્ટ્રમાં હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 20 માર્ક્સ મેળવ્યા હશે તો પણ પાસ થઇ જશે. આવો નવો નિયમ આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, જો 10મા ધોરણના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં 20 માર્કસ પણ મેળવે તો તેઓ પાસ થઈ જશે. એટલે કે પાસિંગ માર્કસ 35 થી ઘટાડીને 20 કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT)દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા નિર્ણયમાં પણ ટ્વિસ્ટ છે. બોર્ડ ઓછા માર્ક્સ સાથે વિદ્યાર્થીઓને પાસ તો કરી દેશે, પરંતુ તેમને આગળ ધોરણમાં ગણિત અને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે, તેઓ આગામી વર્ગમાં આ બે વિષયો પસંદ કરી શકશે નહીં. આ બે વિષયો સિવાય, તેઓ ધોરણ 11માં કોઈપણ અન્ય વિષય પસંદ કરી શકે છે.
આ પગલાનો હેતુ આર્ટ્સ અને હ્યુમિનિટિસ જેવા વિષયોનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે, જેઓ ધોરણ 10માં પાસિંગ માર્કસ મેળવવામાં નિષ્ફળ જાય તો તેમનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી ઓછા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને રાહત મળશે. તેમની પાસે ઓછા માર્ક્સ સાથે આગળના વર્ગમાં જવાનો અને બીજો વિષય લેવાનો વિકલ્પ હશે. અથવા વધુ સારા પરિણામો માટે ફરીથી પરીક્ષા આપવી પડશે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના ચેરમેન શરદ ગોસાવીએ જણાવ્યું હતું કે, એક વાર રાજ્યભરમાં નવો અભ્યાસક્રમ લાગુ થઈ જાય પછી પાસિંગ માર્કસમાં ફેરફાર પણ લાગુ કરવામાં આવશે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, SCERTના ડાયરેક્ટર રાહુલ રેખાવારે કહ્યું કે, આ ફેરફાર શાળા શિક્ષણ વિભાગ દ્વારા પહેલાથી જ મંજૂર કરાયેલા નવા અભ્યાસક્રમનો એક ભાગ છે. તેમણે કહ્યું કે, જો વિદ્યાર્થીઓ ગણિત અથવા વિજ્ઞાનમાં નાપાસ થાય છે, તો તેઓને ઘણીવાર તેમનું શિક્ષણ ચાલુ રાખવાની કોઈ તક મળતી નથી. ભલે તેઓ બીજા કોઈ વિષયમાં સારા હોય. આ ફેરફાર એ સુનિશ્ચિત કરશે કે વિદ્યાર્થીઓને સિસ્ટમમાંથી અન્યાયી રીતે બાકાત રાખવામાં ન આવે.
તેમણે વધુમાં કહ્યું કે, એવા વિદ્યાર્થીઓ પણ છે જે ગણિત સમજી શકતા નથી. મુનશી પ્રેમચંદ અને હરિ નારાયણ આપ્ટે જેવા ઘણા મહાન લેખકોએ ગણિતના કારણે અભ્યાસ છોડી દીધો હતો. તો જો કોઈ વિદ્યાર્થી કળા શીખવા માંગતો હોય તો શા માટે તેને વિજ્ઞાન અને ગણિત લેવાની ફરજ પાડવામાં આવે જેની તેની પાસે યોગ્યતા નથી?
નવા નિર્ણય પર શિક્ષણવિદોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો તેનું સમર્થન કરી રહ્યા છે જ્યારે કેટલાક ટીકાકારો દલીલ કરે છે કે, તે શૈક્ષણિક ધોરણો સાથે સમાધાન કરી શકે છે.