રાજસ્થાનના બાડમેરમાં જિલ્લા કલેક્ટર ટીના ડાબીનો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો હવે બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો IAS ટીના ડાબીની આ હરકતની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે.
હકીકતમાં જ્યારે BJPના નેતા સતીશ પુનિયા તેમના જન્મદિવસ નિમિત્તે બાડમેર પહોંચ્યા ત્યારે તેમણે બાડમેર કલેક્ટર ટીના ડાબીની રમૂજી રીતે પ્રશંસા કરી અને કહ્યું, ‘તમે દાદાગીરી કરીને સફાઈ કરાવો છો, બાડમેર પણ ઈન્દોર જેવું થઈ જશે.’ જેના પર કલેક્ટર ટીના ડાબીએ પણ સતીશ પુનિયાને કહ્યું કે, આ મારું સપનું છે. પૂનિયાએ કહ્યું કે, ‘વ્યક્તિ પોતાનાથી જ શરૂઆત કરશે, જે તમે (ટીના ડાબીએ) ઘર અને દુકાનથી કરાવી છે. તેમણે કહ્યું કે આ બંને વસ્તુઓ સારી છે, કારણ કે આજકાલ આદત નથી હોતી. તેઓ જ્યાં ત્યાં કચરો ફેંકી દે છે, પણ તમે બહુ સારું કામ કર્યું છે.’
આ દરમિયાન જે વીડિયો સામે આવ્યો છે, તેમાં IAS ટીના ડાબીએ 7 સેકન્ડમાં 5 વખત સતીશ પુનિયા સામે માથું નમાવ્યું છે. તેના પર, તેમના સ્વચ્છતા કાર્ય અંગે, BJP નેતા સતીશ પુનિયાએ તેમને કહ્યું કે, તેઓ સારું કામ કરી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે કેટલાક લોકો ટીના ડાબીની આ હરકતના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.
મોટા ભાગના લોકોએ ટીના ડાબીના આ વીડિયો અને તેના કામને શાનદાર ગણાવ્યો છે, જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયોની ટીકા કરતા લખ્યું છે કે, ‘કોઈ રાજનેતા સામે ઝૂકવું તે IASને શોભતું નથી.’
તેમના વખાણ કરતા અન્ય એક યુઝરે લખ્યું, ‘અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે આવું વાતાવરણ હોય તો વિકાસ સારો થાય છે.’
અહીં તમને જણાવી દઈએ કે, સતીશ પુનિયા રાજસ્થાનમાં BJPના મોટા નેતા છે અને તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ હરિયાણાના પ્રભારી છે, જ્યાં BJPને વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મળી છે.
તેમના જન્મદિવસ નિમિત્તે, સતીશ પુનિયાએ સરકારી હોસ્પિટલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નવજાત બાળકીઓનું ખાતું ખોલાવવાની પ્રતિજ્ઞા લીધી, આ દરમિયાન તેઓ ટીના ડાબીને મળ્યા, જેના પર તેમણે તેમના કાર્યની પ્રશંસા કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ શહેરને સ્વચ્છ અને ચોખ્ખું બનાવવાના ઉદ્દેશ્ય સાથે 17 સપ્ટેમ્બરથી નવો બાડમેર અભિયાન શરૂ કર્યું છે. ત્યારથી આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન સંદર્ભે ટીના ડાબી પોતે લગભગ એક મહિનાથી બાડમેરના રસ્તાઓ પર રહીને શહેરમાં સ્વચ્છતાના કામોનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.