બનાસકાઠા જિલ્લામાં વાવ વિધાનસભા સીટ પર થનારી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થવાની સંભાવના છે. આ સીટ પર 13 નવેમ્બરે મતદાન થશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP), INDIA ગઠબંધનના ઘટક દળ છે જે આ વર્ષની શરૂઆતમાં થયેલી પેટાચૂંટણીઓ અગાઉ રાષ્ટ્રીય સ્તર પર બનેલી 10 કરતા વધુ પાર્ટીઓનું ગઠબંધન છે. ભાજપને પેટાચૂંટણીમાં સખત ટક્કર આપવા માટે કોંગ્રેસ અને AAPએ આ નિર્ણય લીધો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, ‘બંને દળ INDIA ગઠબંધનનો હિસ્સો છે એટલે અમે એ વાત પર સામાન્ય સહમતિ પર પહોંચ્યા છીએ કે વાવ સીટ પર થનારી પેટચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે અને AAP કોઇને પણ ઉમેદવાર નહીં બનાવે. આશા છે કે કોંગ્રેસ હાઇકમન્ડ ગુરુવારે રાત્રે કે શુક્રવારે સવાર સુધીમાં રાજ્ય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સંભવિત ઉમેદવારોની પેનલમાંથી એકના નામની જાહેરાત કરી દેશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ ઉમેદવાર શુક્રવારે બપોર 3:00 વાગ્યા સુધીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત AAPના પ્રવક્તા કરણ બારોટે પણ પુષ્ટિ કરી છે કે તેમની પાર્ટી કોંગ્રેસ સાથે સમજૂતી હેઠળ વાવ સીટ પર થનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર નહીં ઉતારે. એક નેતાએ કહ્યું કે, સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય સંસદીય બોર્ડ દ્વારા પણ ગુરુવાર રાત સુધીમાં ઉમેદવાર જાહેર કરવાની આશા છે. ચૂંટણી પંચે 15 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે પેટાચૂંટણી 13 નવેમ્બરે થશે અને મતોની ગણતરી 23 નવેમ્બરે થશે. જૂનમાં બનાસકાંઠાથી લોકસભા માટે ચૂંટાયા બાદ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના રાજીનામાં બાદ વાવ સીટ ખાલી થઇ ગઇ હતી.
વાવ કોંગ્રેસનો ગઢ છે, જ્યાંથી ગેનીબેન ઠાકોરે વર્ષ 2017 અને વર્ષ 2022માં જીત હાંસલ કરી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં 2 વખતના ધાસભ્ય રહી ચૂકેલા ગેનીબેન બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30 હજાર કરતા મતોથી હરાવ્યા હતા, જે પોતાની પહેલી ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં જીતનારા એકમાત્ર ઉમેદવાર હતા. 182 સીટોવાળી વિધાનસભામાં કોંગ્રેસના 12 ધારાસભ્ય છે, જ્યારે સત્તાધારી ભાજપ પાસે 161 ધારાસભ્ય છે. સદનમાં AAPના 4 ધારાસભ્ય, સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય અને 2 અપક્ષ ધારાસભ્ય પણ છે.