બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસે આ સીટ પર ઉમેદવાર તરીકે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી છે. તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનતા આ સીટ ખાલી પડી છે અને આ સીટ કોંગ્રેસનો ગઢ છે જેથી આ સીટ જીતવાની રણનીતિ સાથે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવાયા છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ ગુલાબ સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત
ગુલાબસિંહ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે. ગુલાબસિંહ પહેલી વખત વર્ષ 2019માં થરાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા વિંગ કહેવાતા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગુલાબસિંહનું બનાસકાંઠાના વૉટરોમાં સારું પ્રભુત્વ છે તેની સાથે તેઓ ગેનીબેન ઠાકોરના નજીકના પણ ગણાય છે. ગુલાબ સિંહ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે.
ગુલાબસિંહ થરાદના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019 પેટા ચૂંટણી જીત્યા હતા. એ સિવાય તેમણે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કમાન સંભાળી ચૂક્યા છે. ગુલાબસિંહ રાજપૂત વર્ષ 2022માં થરાદ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ ભાજપના નેતા શંકર ચૌધરી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ સીટથી ટિકિટ આપી છે. વર્ષ 2019માં થયેલી પેટા ચૂંટણીમાં ગુલાબ સિંહને જીત મળી હતી.
તેમણે યુવા કોંગ્રેસ અને NSUIમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજનીતિ વારસામાં મળી છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી, તેમના ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ખાલી પડેલી વિધાનસભા સીટ પર ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.