આજે સવારથી શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં શેરબજાર ઓછા નુકસાન પર ચાલી રહ્યું હતું, પરંતુ ધીમે ધીમે આ ઘટાડો તીવ્ર બન્યો અને થોડી જ વારમાં બજારમાં રોકાણકારોના રૂ. 10 લાખ કરોડનું ધોવાણ થઇ ગયું. બેન્ક નિફ્ટી, સ્મોલ કેપ અને મિડ કેપ સૂચકાંકોમાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 1100થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ્સ તૂટ્યો હતો, આ સિવાય નિફ્ટી લગભગ 300 પોઈન્ટ ઘટીને 24100ની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી, ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ઉપાડના કારણે ભારતીય શેરબજાર દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મિડકેપ અને સ્મોલકેપ પોર્ટફોલિયો શેરબજારમાં એવા તૂટ્યા કે જાણે સુનામી આવી હોય. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 9.8 લાખ કરોડ ઘટીને રૂ. 435.1 લાખ કરોડ થયું છે. એનો મતલબ એ કે, માત્ર એક જ દિવસમાં રોકાણકારોના વેલ્યુએશનમાં આશરે રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો છે.
સવારે સેન્સેક્સ નજીવા વધારા સાથે 80,187.34 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે તેની દિવસની ઉચ્ચ સપાટી 80,253.19 હતી. જોકે, બજાર બંધ થાય ત્યાં સુધીમાં સેન્સેક્સ -663 પોઈન્ટ ઘટીને 79,402.29 પર બંધ થયો હતો. નિફ્ટી 218.60 પોઈન્ટ ઘટીને 24,180.80 પર બંધ થયો હતો, જે આજે સવારે 24,418.05 પર ખુલ્યો હતો. BSEના ટોચના 30 શૅર્સમાંથી 20 શૅર્સ ઘટયા હતા, જ્યારે 10 શૅર્સ વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 18.79 ટકા ઘટીને રૂ. 1038 થયો હતો.
આ 12 શેર તૂટ્યા હતા: ઇન્ડસઇન્ડ બેન્કના શેર 18.79 ટકા ઘટીને રૂ. 1038 પર બંધ થયા. પૂનાવાલા ફિનકોર્પનો શેર 17.19 ટકા ઘટીને રૂ. 297 પર હતો. ડિક્સન ટેક્નોલોજીસનો શેર 7.43 ટકાના ઘટાડા સાથે રૂ. 13,937 પર બંધ થયો હતો. HPCLના શેરમાં 8 ટકા અને પતંજલિ ફૂડના શેરમાં પણ 7 ટકાનો ઘટાડો થયો હતો. ચેન્નાઈ પેટ્રો કોર્પ, હિન્દુસ્તાન કોપર અને ગો ડિજીટના શેરમાં 6.5 ટકાનો ઘટાડો થયો હતો. લાર્જકેપમાં અદાણી ગ્રીન સોલ્યુશન અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5.84 ટકા તૂટ્યા હતા. BPCL અને શ્રીરામ ફાઇનાન્સના શેર પણ લગભગ 5 ટકા ઘટીને બંધ થયા છે.
આજે 101 શેર તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 202 શેર તેમની 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. 3857 શેરોમાંથી 606 શેર લીલા અને 3146 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. લગભગ 105 શેર યથાવત રાખવામાં આવ્યા હતા. જ્યારે BSE મિડકેપ ઈન્ડેક્સ 872.57 પોઈન્ટ ઘટ્યો હતો, BSE સ્મોલ કેપ ઈન્ડેક્સ 1343 પોઈન્ટ ઘટીને 52,300 પર આવી ગયો હતો.
BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ સૌથી વધુ 2300 પોઈન્ટ ઘટીને 60,604 પર હતો, ત્યારપછી કેપિટલ ગુડ્સ અને ઓટો ઈન્ડેક્સ અનુક્રમે 2021 પોઈન્ટ્સ અને 1554 પોઈન્ટ્સ ઘટ્યા હતા.
નોંધ: શેર બજારમાં કોઈપણ પ્રકારના શેરમાં રોકાણ કરતા પહેલા તમારે ચોક્કસપણે તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે.