ભારતમાં લોકોની ઓળખ માટે આધાર કાર્ડની શરૂઆત થોડા વર્ષો પહેલા કરવામાં આવી હતી. તેના દ્વારા કોઈપણ ભારતીયને તેના આધાર નંબર દ્વારા ઓળખી શકાય છે. આધાર કાર્ડ ભારતના નાગરિકો માટે બને છે, પરંતુ એવું લાગે છે કે UPની હરદોઈ પોલીસને આધાર કાર્ડ વિશે ખોટી માહિતી મળી છે. આથી તેમણે એક યુવક પાસે તેની ભેંસનું આધાર કાર્ડ માંગ્યું હતું.
UPના હરદોઈમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક તેની ભેંસની ચોરીની ફરિયાદ નોંધાવવા આવ્યો હતો, પરંતુ પોલીસકર્મીઓએ ભેંસનું આધાર કાર્ડ માંગવાનું શરૂ કર્યું હતું.
આ વિચિત્ર કિસ્સો હરદોઈના ટિડીયાવાં પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ખેડૂતે તેની ભેંસ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ લઈને પોલીસ મથક પહોંચ્યો હતો. આરોપ છે કે, પોલીસ ચોકીના અધિકારીઓએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી તે નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પોલીસકર્મીઓ તેની પાસે ભેંસનું આધાર કાર્ડ માંગવા લાગ્યા હતા. જ્યારે ખેડૂતે કહ્યું કે તેની પાસે તેની ભેંસનું આધાર કાર્ડ નથી, ત્યારે પોલીસે તેની ફરિયાદ નોંધી ન હતી. ત્યાર પછી ખેડૂત પોતાની ફરિયાદ લઈને SP પાસે પહોંચ્યો હતો.
જ્યારે SPએ ખેડૂતની ફરિયાદ સાંભળી, અને તેમણે પોલીસ પાસે જવાબ માંગ્યો હતો. પોલીસકર્મીઓએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેઓએ કહ્યું, ખેડૂત તેમના પર ખોટા આરોપો લગાવી રહ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
મામલો ટિડીયાવાંના હરિહરપુર વિસ્તારનો છે. અહીં રહેતા રણજીતે જણાવ્યું કે, તેમના ઘરની નજીક એક ટીન શેડ છે. તે પોતાની ગાયો અને ભેંસોને અહીં રાખે છે. 20 ઓક્ટોબરના રોજ કેટલાક ચોરો તેની ભેંસ ચોરી ગયા હતા. બીજા દિવસે શેડમાં ભેંસ ન દેખાતા તેણે તેની શોધ શરૂ કરી. તેણે આખા ગામમાં ભેંસની શોધખોળ કરી પણ તે ન મળતાં તે હરિહરપુર ચોકમાં ગયો. અહીં તેણે હરિહરપુર પોલીસ ચોકીમાં અરજી આપી હતી, પરંતુ પોસ્ટ ઈન્ચાર્જે અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. તેની વારંવારની વિનંતી છતાં પોલીસ સંમત ન હતી. નિરાશ થઈને તે ફરીથી ટિડીયાવાં પોલીસ સ્ટેશન ગયો.
જ્યારે SPએ કોટવાલ અશોક સિંહ પાસેથી જવાબ માંગ્યો, તો તેમણે કહ્યું, ભેંસનું આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ માંગવાનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. દબાણ ઉભું કરવા ખેડૂત ખોટા આક્ષેપો કરી રહ્યા છે. SP નીરજ જાદૌને હાલમાં આ કેસની તપાસ CO હરિયાવાંને સોંપી છે. તપાસ પછી સ્પષ્ટ થશે કે, કોણ સાચું અને કોણ ખોટું બોલી રહ્યું છે. જ્યારે ભેંસ ચોરીનો રિપોર્ટ પણ અલગથી નોંધવામાં આવ્યો છે.