મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે 288 સીટો માટે વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. ચૂંટણી અગાઉ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આચાર સંહિતા લાગ્યા બાદ ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહી છે. જેથી ભારે માત્રામાં કેશ કે બેઝકિંમતી ચૂંટણીના ઉપાયોગ માટે ન લઇ જઇ શકાય. આ દરમિયાન ચેકિંગમાં પોલીસને એક એવી વસ્તુ મળી જેનાથી હાહાકાર મચી ગયો છે. પૂણેમાં ચેકિંગ દરમિયાન ભારે માત્રામાં સોનું મળી આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસે એક ટેમ્પોમાંથી સોનું પકડ્યું છે. જેની કિંમત લગભગ 138 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
સહકારનાગર પોલીસે આ સોનું પકડ્યું છે. આ જપ્તી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે આ સોનું કોનું હતું અને તેને કયા હેતુથી લઇ જવામાં આવી રહ્યું હતું? પોલીસ આ અંગે પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સોનું એક ખાનગી કંપનીનું છે. કંપનીને આ સોનાના સંબંધમાં દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું. કંપનીએ આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચને તેના દસ્તાવેજ જમા કરાવી દીધા છે. આ ટેમ્પો એક ખાનગી લોજિસ્ટિક કંપનીનો છે. ટેમ્પો સોનું લઇને મુંબઇથી પૂણે જઇ રહ્યો હતો.
હાલમાં આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચ સાથે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પૂછપરછ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે આચાર સંહિતાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી ઘણી જગ્યાઓ પરથી કરોડોની રકમ જપ્ત કરવામાં આવી છે. તાજેતરમાં જ હિંગોલીમાં 1 કરોડ 40 લાખ રૂપિયા જપ્ત કરવા આવ્યા હતા. આ કાર્યવાહી હિંગોલી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. પોલીસે હિંગોલી બસ ડેપો પાસેથી 2 ગાડીઓમાંથી આ રકમ જપ્ત કરી હતી. 2 દિવસ અગાઉ જ પૂણે શહેરના ખેડ-શિવપુર વિસ્તારમાં એક કારમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.