ભારતના દિગ્ગજ ખેલાડી વિરેન્દર સેહવાગને તેની વિસ્ફોટક બેટિંગ માટે ઓળખવામાં આવે છે. તેને પસંદ કરનારાઓમાં ફેન્સ સાથે સાથે ખેલાડી પણ સામેલ છે. જો કે, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેક્સવેલનું કહેવું છે કે તે એક સમયે સેહવાગનો ફેન હતો, પરંતુ તે 7 વર્ષથી તેની સાથે વાત કરી રહ્યો નથી કેમ કે હવે તે તેની ઇજ્જત કરતો નથી. ગ્લેન મેક્સવેલ વર્ષ 2017માં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. એ સીઝનમાં સેહવાગ ટીમનો મેન્ટર હતો.
મેક્સવેલે જણાવ્યું કે, સેહવાગે તેના પર આરોપ લગાવ્યા અને તેણે વૉટ્સએપ ગ્રુપ ટીમના નિર્ણયો માટે બનાવ્યું હતું, તેને એજ ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ્યો. ગ્લેન મેક્સવેલે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે વર્ષ 2017ની અંતિમ ગ્રુપ મેચમાં તેની ટીમ પૂણે રાઇઝિંગ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ 73 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. ટીમ આ મેચ હારી અને આગામી રાઉન્ડ માટે ક્વાલિફાઇ ન કરી શકી.
મેક્સવેલે જણાવ્યું કે આ નિરાશાજનક પ્રદર્શન બાદ તે જઇને મીડિયા સાથે વાત કરવા માગતો હતો, પરંતુ સેહવાગે તેને જવાની ના પાડી દીધી. સેહવાગ પોતે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો. ગ્લેન મેક્સવેલ જ્યારે ટીમ બસમાં પહોંચ્યો તો તેને ખબર પડી કે તેને ટીમના મુખ્ય વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હોટલ પહોંચવા પર તેને ખબર પડી કે વિરેન્દર સેહવાગે પ્રેસ કોન્ફરન્સમાં તેની બાબતે ઘણું કહ્યું છે. સેહવાગના જણાવ્યા અનુસાર મેક્સવેલ દુર્ભાગ્યપૂર્ણ સાબિત થયો હતો.
તેની સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે મેક્સવેલ કેપ્ટન તરીકે આગળ આવીને પોતાની જવાબદારી ઉઠાવતો નથી. મેક્સવેલ આ બધુ જાણીને દુઃખી હતો. તેણે સેહવાગને મેસેજ કરીને લખ્યું કે ‘આજે તમે મારા રૂપમાં એક ફેન ગુમાવી દીધો. સેહવાગે જવાબમાં લખ્યું ‘મને તારા જેવો ફેન જોઇતો પણ નથી. મેક્સવેલે ફ્રેન્ચાઇઝીને બતાવી દીધું કે હવે તે ટીમ સાથે રહેવા માગતો નથી. જો સેહવાગ ટીમનો હિસ્સો રહેશે તો તે ટીમ સાથે નહીં રહે. મેક્સવેલના જણાવ્યા અનુસાર એ ઘટનાને 7 વર્ષ થઇ ચૂક્યા છે, પરંતુ તેણે અત્યાર સુધી મેક્સવેલ સાથે વાત નથી કરી.