-સુરતમાં ઠેર-ઠેર લગાવેલા દિવાળી શુભેચ્છાના હોર્ડિંગમાં PM મોદી કે HM અમિત શાહના ફોટા શોધવા પડે તેમ છે.
-સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇથી આ ભૂલ થઇ છે કે પછી જાણી જોઇને કરાયું છે તે મોટો સવાલ છે
સુરત. આજથી 1 વર્ષ પહેલા ગુજરાતના કોઇ નેતાની હિંમત ન હતી કે પોસ્ટરમાં પોતાનો ફોટો મોટા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નાનો ફોટો લગાવે. તેનાથી પણ મોટો ગુનોએ કહેવાતો જો PM સિવાય બીજા કોઇ નેતાનો મોટો ફોટો પોતાની સાથે લગાવે. પરંતુ તે હવે થઇ રહ્યું છે. સમય બદલાઇ રહ્યો છે. સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના પાવરફૂલ ધારાસભ્ય સંદીપ દેસાઇએ દિવાળી શુભેચ્છાના પોસ્ટર્સમાં પોતાની સાથે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના મોટા ફોટા લગાવ્યા છે. જેને લઇને સુરતના રાજકારણમાં ચર્ચા ઊભી થઇ છે.
સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને હોર્ડિગ્સ જોવા મળશે. જેમાં ધારાસભ્ય સંદીપ દેસાઇના પોતાના આદમકદ ફોટા સાથે તેનાથી પણ મોટો ફોટો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલનો ફોટો લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નાના-નાના ફોટા પોસ્ટરના ઉપરના ભાગમાં લાગેલા છે. મઝાની વાત એ છે કે ત્યાં પણ પાછો સી.આર. પાટિલનો નાનો ફોટો તો લગાવેલો જ છે.
સુરતના રાજકારણને સમજતા હોય તેવા એક સિનિયર પત્રકારે કહ્યું કે આમાં કોઇ મોટી વાત નથી. સી. આર. પાટિલની મદદથી જ સંદીપ દેસાઇ રાજકારણમાં ખૂબ જ ઝડપથી ઉપર આવ્યા છે. સી.આર. પાટિલ પછી તે જ એવા નેતા છે જેમની પાસે ઘણા બધા હોદ્દા છે. તે સુમુલ ડેરીથી લઇને એમપીએમસીથી લઇને ઘણી જગ્યાએ સક્રિય છે. આ તમામ પાવર સંદીપ દેસાઇને સી.આર. પાટિલની મદદથી જ મળ્યો છે. આમ કહીએ તો સંદીપ દેસાઇના ગોડફાધર સી.આર. પાટિલ છે. એટલે પોતાના ગોડફાધરના મોટા ફોટા લગાવે તેમાં કોઇ નવાઇ નથી.
જોકે, બીજી બાજુ એક એનાલિસિસ એવું પણ કરાઇ રહ્યું છે કે સી.આર. પાટિલ ભલે સંદીપ દેસાઇના ગોડફાધર હોય પરંતુ પાટિલના ગોડફાધર તો હજુ પીએમ મોદી જ છે. આ ઉપરાંત સંદીપ દેસાઇ કોઓપરેટિવના રાજકારણથી આ સ્ટેજ પર પહોંચ્યા છે. કોઓપરેટિવના રાજકારણના કિંગ તો હાલ અમિત ભાઇ શાહ જ છે. પરંતુ પોસ્ટરમાં અમિતભાઇ પણ નાના થઇ ગયા છે.
જોકે, કેટલાકનું માનવું છે કે નેતાઓ ઘણીવાર બદલાતી હવાની દિશાને જોઇને કામ કરે છે. હાલમાં હવા કઇ તરફની વહી રહી છે તે તેમને અંદાજ આવી જાય છે. સંદીપ દેસાઇનો ગ્રાફ જે રીતે ઝડપથી ઊંચે આવ્યો છે તે જોતાં તેઓ ખૂબ જ હોશિયાર રાજનેતા હોવાનું સાબિત થઇ ચૂક્યું છે. પરંતુ હોર્ડિંગ લગાવવામાં તેમનાથી ભૂલ થઇ છે કે જાણી જોઇને કરાયું છે તે તો પોતે જ કહી શકે. જોકે, હાલ આ પોસ્ટર સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય જરૂર બની ગયા છે.