મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બધી પાર્ટીઓએ ઉમેદવારોની લિસ્ટ કાઢવાની શરૂ કરી દીધી છે. આ અનુસંધાને શરદ પવારના નેતૃત્વવાળી NCPએ રવિવારે ચિંચવાડ અને ભોસરી સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી, પરંતુ MVAમાં તેમની સહયોગી શિવસેના (UBT)એ તેના માટે પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. NCPએ રવિવારે ચિંચવાડ સીટ માટે રાહુલ કલાટે અને ભોસરી સીટ માટે અજીત ગવ્હાણેને ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ MVAમાં પાર્ટીની સહયોની શિવસેના (UBT)એ તેમના માટે પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે.
પિંપરી-ચિંચવાડમાં શિવસેના (UBT)ના અધ્યક્ષ સચિન ભોસલેએ કહ્યું કે, ‘અમે પિંપરી-ચિંચવાડમાં શરદ પવારના નેતૃત્વવાળી NCP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ત્રણેય ઉમેદવારો માટે પ્રચાર નહીં કરીએ. અમે એ વાતથી હેરાન છીએ કે શિવસેનાને એક પણ સીટ આપવામાં આવી નથી. ત્રીજા ઉમેદવાર સુલક્ષણા શિલવંત છે, જેમને NCP SPએ શુક્રવારે પિંપરી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા, જે એક અનામત સીટ છે, જેના પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃતવાળી પાર્ટી 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લડવા માગતી હતી.
સચિન ભોસલેએ કહ્યું કે, તેઓ પિંપરીથી ચૂંટણી લડશે. હું પોતાનું ઉમેદવારી પત્ર ભરીશ. આખી શિવસેનાના કાર્યકર્તા મારા માટે પ્રચાર કરશે. તેઓ MVAના ઉમેદવારો માટે પ્રચાર નહીં કરે. NCPના ઉમેદવાર રાહુલ કલાટે ચિંચવાડમાં ભાજપના શંકર જગતાપ વિરુદ્ધ પોતાની ત્રીજી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમને ગત 2 ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભોસરીમાં શરદ પવારની આગેવાનીવાળી NCPના ઉમેદવાર અજીત ગવ્હાને અગાઉ અજીત પવારની NCPમાં હતા.
તેમનો સામનો ભાજપના 2 વખતના ધારાસભ્ય મહેશ લાંડગે સાથે થશે. તેઓ છેલ્લા 2-3 મહિનાઓથી પ્રચાર અભિયાન કરી રહ્યા છે કેમ કે તેમની ફરી ઉમેદવારી મળવાનો પૂરો ભરોસો છે. MVAમાં કેટલીક સીટોને લઇને અત્યારે પણ પેંચ ફસાયો છે. જો કે, કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નિથલાએ CECની બેઠક બાદ શુક્રવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં MVA એકજૂથ છે અને સીટોના તાલમેળને શનિવાર સાંજ સુધીમાં અંતિમ રૂપ આપી દેવામાં આવશે. આ અગાઉ શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (SP)ના 85-85 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી.